07 August, 2023 09:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલ
સની દેઓલનું માનવુ છે કે ફ્રસ્ટ્રેટેડ લોકો નેપોટિઝમ પર ડિબેટ કરે છે. તેમનું કહેવુ છે કે જો એક પિતા તેમના દીકરા માટે કાંઈક કરે તો એમાં ખોટું શું છે. સની દેઓલની ‘ગદર 2’ ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. બૉલીવુડમાં નેપોટિઝમને લઈને ખૂબ ચર્ચા થાય છે. સની દેઓલને પૂછવામાં આવ્યું કે જો તેમના પિતા ધર્મેન્દ્ર ઍક્ટર ન હોત તો તમે શું કરતા હોત? તો એનો જવાબ આપતાં સની દેઓલે કહ્યું કે ‘ખબર નથી. પાપા જ્યાં પણ હોત, તેઓ જે કરી રહ્યા હોત, હું પણ એ જ કરતો હોત.’
સાથે જ તેમને નેપોટિઝમની ડિબેટ વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં સની દેઓલે કહ્યું કે ‘મને એવું લાગે છે કે આ બધું ફ્રસ્ટ્રેટેડ લોકો ફેલાવે છે. તેઓ એ નથી સમજતા કે એક વ્યક્તિ કે એક પિતા તેના બાળક માટે કરે છે. કયો પરિવાર છે જે એવું નથી કરતા? જો તે પોતાના બાળક માટે કરે છે તો એમાં વાંધો શું છે? જોકે સફળતા તેને મહેનત કરવાથી જ મળવાની છે. મને ઍક્ટર બનાવવા માટે મારા પિતા મારી અંદર નહોતા ઘૂસી ગયા. મારા દીકરાને ઍક્ટર બનાવવા માટે હું તેની અંદર નહોતો ઘૂસી ગયો. પાપા મોટા આઇકન છે. મારી ઓળખ મેં મારી જાતે બનાવી છે અને એથી આજે અહીં સુધી હું પહોંચ્યો છું. હું મારા ડૅડી જેવો નથી, પરંતુ અમે બધા એકસરખા છીએ.’
નવી જનરેશનને લાગે છે કે બૉડી બનાવી એટલે ઍક્ટર બની ગયા : સની દેઓલ
સની દેઓલે નવી પેઢીની વિચારધારા પર સવાલ કર્યા છે. નવી જનરેશનને એમ લાગે છે કે બૉડી બનાવી એટલે ઍક્ટર બની ગયા એવું સની દેઓલ કહે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે બૉલીવુડ જાતે ફિલ્મો નથી બનાવતું, પરંતુ બધે ઠેકાણેથી સ્ટોરી ઉપાડીને ફિલ્મો બનાવે છે. મેલ ઍક્ટર્સ છાતી પર શેવિંગ કરાવે છે એને લઈને સની દેઓલે કહ્યું કે ‘મને તો ખૂબ શરમ આવે છે જ્યારે શેવ કરાવે છે અને છોકરી બની જાય છે. એ બધી વસ્તુ મને સમજમાં નથી આવતી. અમે ઍક્ટર્સ છીએ, બૉડી બિલ્ડર્સ નથી. અહીં અમે ઍક્ટિંગ કરવા આવ્યા છીએ, ન કે બૉડી બિલ્ડિંગ કરવા આવ્યા છીએ. એને કારણે એવું વિચારતી ટૅલન્ટ્સ મળી રહી છે જેમને એમ લાગે છે કે ‘મેં બૉડી બનાવી દીધી છે એથી હું હવે ઍક્ટર બની જઈશ. હું ડાન્સર છું એથી ઍક્ટર બની જઈશ.’ ફિલ્મમેકર્સ પણ આવી જ વસ્તુ પ્રોડ્યુસ કરે છે અને આવી સ્ટોરીઝ લઈને આવે છે.’