13 January, 2025 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પહેલું સ્ક્રીનિંગ નાગપુરમાં થયું
કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. કંગનાએ આ ફિલ્મનું પહેલું સ્ક્રીનિંગ નાગપુરમાં યોજ્યું હતું જેમાં ફિલ્મના તેના સહકલાકાર અનુપમ ખેર અને યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીએ હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગ વખતે પોતાની લાગણી વ્યક્ત કરતાં કંગનાએ જણાવ્યું હતું કે ‘આજે અમે પહેલી વખત આ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજી રહ્યાં છીએ. આ પહેલાં કોઈએ પણ ફિલ્મ નથી જોઈ. આ ફિલ્મને મંજૂરી આપવાના મામલે સેન્સર બોર્ડે બહુ કડક વલણ અપનાવ્યું હતું અને એણે બહુ બારીકાઈથી તથ્યોની તપાસ કરી હતી. આ ફિલ્મને મંજૂરી મળે એ માટે અમે અનેક પુરાવા અને ડૉક્યુમેન્ટ્સ આપ્યા હતા. ૬ મહિનાના સંઘર્ષ પછી હવે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે.’
આ સ્ક્રીનિંગ પછી કંગના રનૌત અને નીતિન ગડકરી બન્નેએ નાગપુરમાં યોજાયેલા આ સ્ક્રીનિંગની વિગતો, તસવીરો અને ફિલ્મ વિશેની પોતાની લાગણી સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.
શું છે ફિલ્મ ઇમર્જન્સીમાં?
કંગના રનૌતે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરેલી ‘ઇમર્જન્સી’માં તે પોતે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ ભજવી રહી છે. આ ફિલ્મમાં દિવંગત સતીશ કૌશિકનો પણ મહત્ત્વનો રોલ છે. આ ફિલ્મ ૧૯૭૫થી ૧૯૭૭ દરમ્યાન ૨૧ મહિના સુધી દેશમાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમર્જન્સી દરમ્યાનનો ઘટનાક્રમ હાઇલાઇટ કરે છે. ‘ઇમર્જન્સી’માં જયપ્રકાશ નારાયણ તરીકે અનુપમ ખેર, યુવાન અટલ બિહારી વાજપેયી તરીકે શ્રેયસ તલપડે, ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ તરીકે મિલિંદ સોમણ, પુપુલ જયકર તરીકે મહિમા ચૌધરી અને જગજીવન રામ તરીકે દિવંગત સતીશ કૌશિક જોવા મળશે.
નીતિન ગડકરીનો મત
આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપતાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘મેં આ ફિલ્મ પહેલી વખત જોઈ છે. દેશમાં જ્યારે ઇમર્જન્સી લાદવામાં આવી હતી ત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ હતી એનો હું સાક્ષી છું. કંગનાજીએ આ ફિલ્મના માધ્યમથી લોકો સામે ઇમર્જન્સીનો સાચો ઇતિહાસ રજૂ કર્યો છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મને લોકોનો ટેકો મળશે.’