વહેલી સવારે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર, ચાર રાઉન્ડ ફાયર કરી બાઇક પર છૂ થઈ ગયા ગુંડા

14 April, 2024 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા શખ્સોએ આ હવાઈ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા

સલમાન ખાનની ફાઇલ તસવીર

Firing Outside Salman Khan’s Residence Galaxy Apartment: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના બાંદરા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા શખ્સોએ આ હવાઈ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. પોલીસે સલમાન ખાનના ઘરે સુરક્ષા વધારી દીધી છે.

આ ફાયરિંગ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચની સાથે બાંદરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રોડની બંને બાજુએ લગાવેલા સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડીસીપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

નોંધનીય છે કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ઘણી વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં એક્ટર-સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘરે પણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ કહેવામાં આવ્યું હતું કે તેના સલમાન ખાન સાથે નજીકના સંબંધો હતા, તેથી આ હુમલો કરવામાં આવ્યો હતો.

અગાઉ પણ મળી હતી ધમકી

વર્ષ 2023માં પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાનની ઑફિસને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી હતી. હાલમાં સલમાનને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. વાસ્તવમાં, મોહિત ગર્ગના આઈડીથી સલમાન ખાનની ઑફિસને મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બરાર)એ તમારા બોસ સલમાન ખાન સાથે વાત કરવી છે. તમે લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ જોયો જ હશે, જો ના જોયો હોય તો કહેજો કે જોઈ લે.’

`તમારે મામલો બંધ કરવો હોય તો વાત પૂરી કરો. જો તમારે રૂબરૂ વાત કરવી હોય તો મને જણાવો. હવે અમે સમયસર જાણ કરી દીધી છે, આગામી સમયમાં માત્ર ઝટકો જોવા મળશે.’ આ પછી, સલમાન ખાનના મેનેજર પ્રશાંત ગુંજલકરની ફરિયાદ પર, મુંબઈ પોલીસે ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ આઈપીસીની કલમ 120 (બી), 34 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો.

અગાઉ લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી. લોરેન્સે કહ્યું હતું કે, “હરણને મારવા બદલ તેણે માફી માગવી પડશે. તેણે બિકાનેરના અમારા મંદિરમાં જઈને માફી માગવી જોઈએ. અત્યારે હું ગુંડો નથી, પણ સલમાન ખાનને મારીને ગુંડો બનીશ. મારા જીવનનો ઉદ્દેશ્ય સલમાન ખાનને મારવાનો છે. જો સુરક્ષા હટાવવામાં આવશે તો હું સલમાન ખાનને મારી નાખીશ.”

Salman Khan bollywood bollywood buzz bollywood news entertainment news bandra mumbai police