31 January, 2023 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપને હવે એ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે કે તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે મુલાકાત ન કરી. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતે સુસાઇડ કર્યું હતું. તેના સુસાઇડનું કારણ હજી સુધી જાણી નથી શકાયું. તાજેતરમાં જ અભય દેઓલ અને અનુરાગ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું હતું. સુશાંતને યાદ કરતાં અને પોતાના સ્વભાવ વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘ઘણીબધી વસ્તુઓને સમજવામાં મને દોઢ વર્ષ લાગી ગયું છે. દરેક વાતને લઈને હું તરત રીઍક્ટ કરતો હતો. હું ગુસ્સામાં આવીને ઘણુંબધું બોલી જતો હતો. એને લઈને હું આકુળ-વ્યાકુળ થઈ જતો હતો. હું લોકોથી ભરેલા રૂમમાં રોષે ભરાઈ રહ્યો છું. જોકે મારી વાત તો શું પરંતુ લોકો એકબીજાને પણ નથી સાંભળી રહ્યા. સોશ્યલ મીડિયા પણ આવું જ બની ગયું છે. એથી હું પાછળ ખસી ગયો. પોતાની જાતને સવાલ કર્યા કે ‘આના પર હું પ્રતિક્રિયા શું કામ આપું છું? મને શેની ચિંતા છે?’ હવે તો ઘણુંબધું બદલાઈ ગયું છે. હવે કોઈ ફિલ્ટર નથી. મને એવો એહસાસ થયો કે મારે કાંઈ કહેવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે અભય દેઓલ અને મારી વચ્ચે થયેલો વિવાદ. કોઈ આર્ટિકલ લખી રહ્યું હતું કે અભય જેવો સારો ઍક્ટર ફિલ્મોમાં કેમ નથી દેખાતો. એથી ૧૩ વર્ષ પહેલાં થયેલો મેં મારો અનુભવ જણાવ્યો. મારે એને જાહેરમાં બોલવાની જરૂર નહોતી. સુશાંત સિંહ રાજપૂત સાથે થયેલી ઘટનાથી હું ખૂબ દુખી છું. તેના અવસાનનાં ત્રણ અઠવાડિયાં અગાઉ તેણે મને મળવાના પ્રયાસ કર્યા, તેને મારી સાથે વાત કરવી હતી તો મેં ચોખ્ખી ના પાડી દીધી હતી. મારે તેની સાથે વાત નહોતી કરવી. એથી અપરાધની ભાવના તમારી અંદર જાગે છે. એથી મેં અભયને કૉલ કર્યો અને માફી માગી લીધી. મને કોઈએ જણાવ્યું કે મેં તેના વિશે જાહેરમાં વાત કરી એથી તે મારાથી નારાજ છે.’