૬ વર્ષ  પછી પાછી આવેલી તુમ્બાડ ભારે  પડી કરીના કપૂરની  નવી ફિલ્મને 

17 September, 2024 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓપનિંગ વીક-એન્ડમાં અણધાર્યો ૭.૩૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો, ધ બકિંગમ મર્ડર્સને મળ્યા માત્ર સાડાપાંચ કરોડ રૂપિયા

કરીના કપૂર

૨૦૧૮માં આવેલી હૉરર ફિલ્મ ‘તુમ્બાડ’ ગયા શુક્રવારે પાછી રિલીઝ થઈ અને આ ફિલ્મે કરીના કપૂરની નવી ઇંગ્લિશ-હિન્દી ફિલ્મ ‘ધ બકિંગમ મર્ડર્સ’ને પછડાટ આપી દીધી. ૬ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ત્યારે ‘તુમ્બાડ’નાં ઘણાં વખાણ થયાં હતાં, પણ બૉક્સ-ઑફિસ પર એ બહુ સફળ નહોતી રહી. જોકે હવે આ ફિલ્મે પોતાના અગાઉના પર્ફોર્મન્સને અને એક નવી ફિલ્મને પાછળ પાડી દઈને ચર્ચા જગાવી છે.

૨૦૧૮માં શુક્ર-શનિ-રવિના ઓપ‌નિંગ વીક-એન્ડમાં ‘તુમ્બાડ’નો બિઝનેસ માત્ર ૩.૨૫ કરોડ રૂપિયા હતો, જ્યારે આ વખતે ઓપ‌નિંગ વીક-એન્ડના બિઝનેસમાં ૧૨૫.૮૫ ટકાનો વધારો નોંધાયો છે. શુક્રવારના ૧.૬૫ કરોડ, શનિવારના ૨.૬૫ કરોડ અને રવિવારના ૩.૦૪ કરોડ મળીને ‘તુમ્બાડ’નો ત્રણ દિવસનો બિઝનેસ ૭.૩૪ કરોડ રૂપિયા થયો છે. એની સાથે ‘ધ બકિંગમ મર્ડર્સ’નો આ ત્રણ દિવસનો બિઝનેસ માત્ર સાડાપાંચ કરોડ રૂપિયાની આસપાસ થયો છે.

હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત ‘ધ બકિંગમ મર્ડર્સ’માં’ એવી એક બ્રિટિશ-ઇન્ડિયન ડિટેક્ટિવની વાત છે જેણે તાજેતરમાં જ પોતાનું બાળક ગુમાવ્યું છે. તેને બકિંગમશરમાં થયેલા ૧૦ વર્ષના એક બાળકના મર્ડરનો કેસ સોંપવામાં આવે છે ત્યારે તેણે કેવા ઇમોશનલ ઝંઝાવાતનો સામનો કરવો પડે છે એની વાત આ ફિલ્મમાં છે.

‘તુમ્બાડ’માં મહારાષ્ટ્રના તુમ્બાડ નામના એક ગામડાની વાત છે. સોહમ શાહ આ ફિલ્મનો હીરો અને પ્રોડ્યુસર પણ છે. ફિલ્મમાં સોહનનું પાત્ર વીસમી સદીના એક છૂપા ખજાનાની શોધમાં છે એની આસપાસ આ ફિલ્મની વાર્તા વણાયેલી છે.

તુમ્બાડ 2ની જાહેરાત
રી-રિલીઝ થયા પછી સારીએવી કમાણી કરી રહેલી ‘તુમ્બાડ’ની ‌સીક્વલની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

 

 

kareena kapoor bollywood news bollywood entertainment news hansal mehta