05 September, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેજર શૈતાન સિંહ ભાટી, ફિલ્મનું પોસ્ટર
ઍક્ટર, ડિરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર ફરહાન અખ્તર ઍક્ટિંગમાં કમબૅક કરી રહ્યો છે અને ‘120 બહાદુર’ નામની ફિલ્મમાં તે પરમવીર ચક્ર વિજેતા મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકામાં નજરે પડશે. છેલ્લે તે ૨૦૨૧માં ‘તૂફાન’માં ઍક્ટર તરીકે જોવા મળ્યો હતો.
આ મિલિટરી ઍક્શન ફિલ્મ રેઝાંગ લાની લડાઈ પર આધારિત છે અને ફરહાન અખ્તરે આ પ્રોજેક્ટની જાહેરાત ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર રિલીઝ કરીને કરી હતી. તેની પોસ્ટની ટોચ પર લખ્યું છે કે ‘વો તીન થે... ઔર હમ? 120 બહાદુર’.
ફરહાન અખ્તરે તેની કૅપ્શનમાં લખ્યું છે કે ‘તેમણે જે સફળતા મેળવી હતી એ કદી ભુલાવી શકાય એમ નથી, મારા માટે આ એક ગૌરવ અને સન્માનની વાત છે કે હું તમારી સામે આદરણીય પરમવીર ચક્રથી સન્માનિત મેજર શૈતાન સિંહ ભાટી અને તેમની ચાર્લી કંપની, 13 કુમાઉં રેજિમેન્ટના સૈનિકોની વાત રજૂ કરવાનો છે. ૧૯૬૨ની ૧૮ નવેમ્બરે ભારત અને ચીન યુદ્ધ વખતે લડવામાં આવેલી આ પ્રસિદ્ધ રેઝાંગ લાની લડાઈ આપણા વીર સૈનિકોની અદ્વિતીય વીરતા, અદમ્ય સાહસ અને નિઃસ્વાર્થતાની કહાની છે. અમે અત્યંત આભારી છીએ કે આ અદ્ભુત વીરતાની ગાથાને પડદા પર લાવવામાં અમને ભારતીય સેનાનું સમર્થન અને પૂર્ણ સહયોગ મળ્યો છે.’
ફરહાન અખ્તરની આ પોસ્ટને ઍક્ટર રણવીર સિંહ, તેની બહેન ઝોયા અખ્તર અને પુલકિત સમ્રાટે લાઇક કરી છે અને બીજા અનેક લોકોએ પણ એના વિશે કમેન્ટ કરી છે.
જ્યારે ૧૩૦૦ ચીની સૈનિકો પર ભારે પડ્યા હતા આપણા ૧૨૦ બહાદુરો
ભારત અને ચીન વચ્ચે ૧૯૬૨માં એક મહિનો ચાલેલા યુદ્ધમાં રેઝાંગ લાની લડાઈ ખૂબ મહત્ત્વની છે, કારણ કે ૧૩૦૦ ચીની સૈનિકોને આપણા ૧૨૦ સૈનિકોએ મારી નાખ્યા હતા અને લદ્દાખની દુર્ગમ બરફથી આચ્છાદિત ચુશૂલ ઘાટીની સુરક્ષા કરી હતી. યુદ્ધની આ ગાથા ઇતિહાસમાં અમર છે. આ યુદ્ધમાં કુમાઉં બટાલિયનના ૧૧૪ જવાનો શહીદ થયા હતા, પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ અને ઓછાં હથિયારો હોવા છતાં ભારતીય જવાનોએ વિજય મેળવ્યો હતો. મેદાની ક્ષેત્રમાંથી આવેલા સૈનિકો માટે આ યુદ્ધસ્થળ અનુકૂળ નહીં હોવા છતાં હિંમત હાર્યા વિના તેમણે જીત મેળવી હતી. ૧૭ નવેમ્બરે બરફના તોફાન બાદ મુખ્ય બટાલિયન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને સમુદ્રની સપાટીથી ૧૮,૦૦૦ ફુટની ઊંચાઈ પર આવેલી આ યુદ્ધભૂમિમાં ૧૮ નવેમ્બરે સવારે ૪ વાગ્યાથી યુદ્ધ શરૂ થઈ ગયું હતું.
કેવા બહાદુર હતા મેજર શૈતાન સિંહ ભાટી? હાથ પર ગોળી વાગી તો પગ સાથે રાઇફલ બાંધીને દુશ્મનો પર ગોળીઓ વરસાવી
મેજર શૈતાન સિંહ ભાટીનો જન્મ ૧૯૨૪ની ૧ ડિસેમ્બરે રાજસ્થાનના જોધપુરમાં થયો હતો અને તેમના પિતા લેફ્ટનન્ટ કર્નલ હેમ સિંહ ભાટી આર્મી ઑફિસર હતા અને બ્રિટિશ સેનામાં ફ્રાન્સમાં બીજા વિશ્વ યુદ્ધમાં લડ્યા હતા. શૈતાન સિંહે જોધપુર રાજ્યની સેનામાં જોડાઈને સૈનિક તરીકે શરૂઆત કરી હતી અને પછી આઝાદી બાદ ભારતીય સેનામાં જોડાયા હતા અને કુમાઉં બટાલિયનમાં તેમની પોસ્ટિંગ કરવામાં આવી હતી. રેઝાંગ લાની લડાઈમાં તેમની પાસે લડવા માટે ૩૦૩ રાઇફલો અને લાઇટ મશીનગન જેવાં ટાંચાં સાધનો હતાં જેમાં ૧૦૦ હૅન્ડગ્રેનેડ, ૩૦૦થી ૪૦૦ રાઉન્ડ ગોળીઓ અને કેટલીક થ્રી નૉટ થ્રી રાઇફલો હતી. જ્યારે ખૂબ ઓછા સૈનિકો બચ્યા ત્યારે તેમણે ‘એક ગોળી અને એક ચીની સૈનિકની જાન’ એવું સૂત્ર આપી સૈનિકોનો પાનો ચડાવ્યો હતો. છેલ્લા ૨૦ સૈનિકો બચ્યા હતા ત્યારે તેમણે સામસામી લડાઈનો આદેશ આપ્યો હતો અને ચીની સૈનિકોને હંફાવ્યા હતા. હાથ પર બૉમ્બના ટુકડા પડતાં તેઓ ઘાયલ થયા હતા ત્યારે તેમણે મશીનગન મગાવીને એના ટ્રિગરની રસ્સીને પગ પર બાંધી દેવડાવી હતી અને એની મદદથી ચીની સૈનિકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આમ હાથ પર ગોળી વાગી તો પગ સાથે રાઇફલ બાંધીને તેમણે દુશ્મનો પર ગોળીઓ વરસાવી હતી. તેમના ગામનું નામ બાણાસર હતું, પણ ૧૯૬૨ની લડાઈ બાદ બદલીને શૈતાન સિંહ નગર કરી દેવામાં આવ્યું હતું. આજે પણ આ ગામમાં લોકો તેમની બહાદુરીનો દાખલો આપે છે.
ભાટીને મરણોપરાંત પરમવીર ચક્ર, એક જ બટાલિયનના સૈનિકોને સૌથી વધારે મેડલ
આ લડાઈમાં વિજય બાદ મેજર શૈતાન સિંહ ભાટીને મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત થયો હતો. આ સિવાય આ બટાલિયનના આઠ જવાનોને વીર ચક્ર, ચારને સેના મેડલ અને એકને મેન્શન ઇન ડિસ્પેચનું સન્માન મળ્યું હતું. 13 કુમાઉંના કમાન્ડિંગ ઑફિસરને અતિવિશિષ્ટ સેવા મેડલ એનાયત કરાયો હતો. એક બટાલિયનને આટલા મેડલ મળ્યા હોય એવો આ એકમાત્ર બનાવ છે. આ યુદ્ધ પછી આ કંપનીનું નામ રેઝાંગ લા કંપની કરી દેવામાં આવ્યું હતું. આ બટાલિયનના મોટા ભાગના સૈનિકો રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના હતા. આ યુદ્ધમાં ભારતના ૧૩૮૩ સૈનિકો શહીદ થયા હતા. ચીનના ૭૨૨ સૈનિકો માર્યા ગયા હતા.