પેરન્ટ્સના ડિવૉર્સથી બાળપણ અઘરું પસાર થયું હતું ફરહાનનું

27 August, 2024 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એટલે જ પોતાનાં બાળકો પર આવી સ્થિતિ ન આવે એવું તેણે નક્કી કર્યું હતું

ફાઇલ તસવીર

પપ્પા-મમ્મી જાવેદ અખ્તર અને હની ઈરાનીના ડિવૉર્સની અસર પોતાના બાળપણ પર પડી હોવાનું ફરહાન અખ્તરે જણાવ્યું છે. એથી તેણે નક્કી કર્યું હતું કે તેનાં બાળકોને આવી સ્થિતિમાંથી પસાર ન થવું પડે એની તે તકેદારી લેશે. ૧૯૭૨માં જાવેદ અખ્તર અને હની ઈરાનીનાં લગ્ન થયાં હતાં અને ૧૯૭૮માં તેઓ અલગ થયાં હતાં. ૧૯૮૫માં તેમણે ડિવૉર્સ ફાઇલ કર્યા હતા. ૧૯૮૪માં જાવેદ અખ્તર અને શબાના આઝમીએ લગ્ન કરી લીધાં હતાં. ૨૦૦૦માં ફરહાન અખ્તરનાં લગ્ન અધુના ભાબાણી સાથે થયાં હતાં. એ લગ્નજીવન દરમ્યાન તેમને શાક્યા અને અકીરા નામની બે દીકરીઓ છે. ૨૦૧૭માં ફરહાનના ડિવૉર્સ થઈ ગયા હતા. ૨૦૨૨માં ફરહાને શિબાની દાંડેકર સાથે લગ્ન કરી લીધાં હતાં. પોતાના ડિવૉર્સની દીકરીઓ પર કેવી અસર પડશે એ વાતથી તે સજાગ હતો. એ વિશે ફરહાન કહે છે, ‘એ અઘરું હતું. મારા પેરન્ટ્સના ડિવૉર્સ થયા ત્યારે હું નાનો હતો. એ વખતે કેટલીક સ્થિતિઓમાંથી પસાર પણ થયો હતો. એથી હું વિચારતો હતો કે મારાં બાળકોને આવી સ્થિતિમાંથી પસાર નહીં થવા દઉં. મારા પેરન્ટ્સના ડિવૉર્સની એક બાળક તરીકે મારી લાઇફ પર એની ખૂબ મોટી અસર પડી હતી. એનો એહસાસ મને આજે પણ થાય છે.’ 

javed akhtar shabana azmi farhan akhtar zoya akhtar entertainment news bollywood bollywood news