06 August, 2024 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન મમ્મી સાથે
ફિલ્મમેકર-કોરિયોગ્રાફર ફારાહ ખાન કુંદરની મમ્મી મેનકા ઈરાનીનું ૨૬ જુલાઈએ ૭૯ વર્ષની વયે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. હવે ફારાહે ઇચ્છા વ્યક્ત કરી છે કે તેને મમ્મીના અવસાનનો શોક નથી રાખવો પરંતુ તેમની સાથે પસાર કરેલા સમયને અને એ યાદોને સેલિબ્રેટ કરવી છે. મમ્મીને અને તેમના સંઘર્ષને યાદ કરીને ફારાહ ઇમોશનલ થઈ હતી. મમ્મી સાથેના જૂના ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહે કૅપ્શન આપી, ‘મારી મમ્મી અનોખી વ્યક્તિ હતી. તેને કદી પણ લાઇમલાઇટ પસંદ નહોતી. ખૂબ નાની ઉંમરે તેણે લાઇફમાં ઘણુંબધું વેઠ્યું હતું, છતાં તેને કોઈ પ્રત્યે કડવાશ કે પછી ઈર્ષા નહોતી. લોકો તેને જ્યારે પણ મળતા તેને પ્રેમ કરતા અને તેમને એહસાસ થતો કે અમને સેન્સ ઑફ હ્યુમર ક્યાંથી મળી છે. તે મારા અને સાજિદ કરતાં વધુ મજાકિયા અને મજેદાર હતી. ખબર નહીં તેના પર જે પ્રકારે લોકોનો પ્રેમ અને સંવેદના ઊમટી રહ્યાં છે એનો તેને અંદાજ છે કે નહીં. ન માત્ર અમારા ફ્રેન્ડ્સ, ફૅમિલી પરંતુ અમારા કલીગ્સ અને જે લોકો ઘરમાં કામ કરે છે તેઓ આવીને કહે છે કે કેવી રીતે તેણે લોકોને પૈસા આપીને મદદ કરી હતી અને પાછા મળવાની કદી અપેક્ષા પણ નહોતી રાખી. અમારા દુઃખની ઘડીમાં લોકોએ આવીને અને મેસેજ દ્વારા અમને સાંત્વન આપ્યું એ માટે આભાર. નાણાવટી હૉસ્પિટલનાં ડૉક્ટર્સ અને નર્સિસે તેને બચાવવાના પૂરતા પ્રયાસ કર્યા હતા. ચંડીગઢની PGI અને બેલ વ્યુ હૉસ્પિટલનો પણ આભાર કે તેમના કારણે અમે વધુ દિવસો મમ્મી સાથે પસાર કરી શક્યાં. હવે ફરીથી કામ શરૂ કરવાનું છે. અમારા કામનો તેને ખૂબ ગર્વ છે. દિલમાં જે ખાલીપો છે એ તો હંમેશાં રહેશે. હું તેને યાદ નથી કરવા માગતી, કેમ કે તે હંમેશાં મારી સાથે રહેશે. હું બ્રહ્માંડની આભારી છું કે તેને અમારી મમ્મી બનાવી અને અમને તેની સેવા કરવાની તક આપી, જે પ્રકારે તેણે આખું જીવન એકલપંડે અમારો ઉછેર કર્યો હતો. હવે કોઈ શોક નથી પાળવો. તેને હું દરરોજ સેલિબ્રેટ કરવા માગું છું. દરેકનો આભાર.’