16 July, 2023 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શેટ્ટી
રોહિત શેટ્ટીનું કહેવું છે કે લાઇફમાં મળતી નિષ્ફળતા વ્યક્તિને વિનમ્ર બનાવી રાખે છે. આ વાત તેણે તેની ફિલ્મ ‘સર્કસ’ની નિષ્ફળતાને લઈને કહી છે. તે હાલમાં ‘ખતરોં કે ખિલાડી 13’ને હોસ્ટ કરે છે. તેણે ‘ગોલમાલ’, ‘સિંઘમ’, ‘સિંઘમ અગેઇન’, ‘સૂર્યવંશી’ અને ‘સિમ્બા’ બનાવી હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘સર્કસ’ બૉક્સ-ઑફિસ પર કાંઈ ખાસ કમાલ ન દેખાડી શકી. એ વિશે રોહિતે કહ્યું કે ‘હું જાણું છું કે અમે શું કર્યું છે. ચોક્કસ અમે ક્યાંક ને ક્યાંક તો ખોટા ઠર્યા છીએ. આ ફિલ્મ ‘સૂર્યવંશી’ બાદ જ બનાવવામાં આવી છે. મહામારી દરમ્યાન વર્કર્સ માટે એ ફિલ્મ હતી. એ વખતે દર્શકો માટેની નાની ફિલ્મ હતી. દર પાંચ વર્ષે આવતી નિષ્ફળતા તમને નમ્ર બનાવી રાખે છે.’
અગાઉ પણ તેની ફિલ્મો ફ્લૉપ થઈ હતી. એ વિશે રોહિતે કહ્યું કે ‘મારી પહેલી ફિલ્મ ‘ઝમીન’ સારી નહોતી ચાલી. ‘સન્ડે’ પણ ફ્લૉપ રહી અને ‘દિલવાલે’ પણ ખાસ ન ચાલી. ચોથી વખત મારી આ ફિલ્મ ફ્લૉપ રહી છે. મારો ટાર્ગેટ છે કે પચીસથી ત્રીસ ફિલ્મો બનાવું અને એમાંથી ત્રણ-ચાર તો ‘સર્કસ’ જેવી નીકળશે. મારી અત્યાર સુધીની જર્ની અદ્ભુત રહી છે. મેં જ્યારે મારી પહેલી ફિલ્મ ‘ઝમીન’ અને બીજી ફિલ્મ ‘ગોલમાલ’ બનાવી તો વિચાર નહોતો કર્યો કે હું અહીં સુધી પહોંચી જઈશ અને મારી ફિલ્મો બ્રૅન્ડ બની જશે. મેં એમ પણ નહોતું વિચાર્યું કે દેશમાં હું યુનિવર્સની શરૂઆત કરનારો પહેલો બનીશ. ‘ખતરોં કે ખિલાડી’ને હોસ્ટ કરીશ. મેં જે પણ કામ કર્યું છે એમાં મેં મારા પ્રાણ, એનર્જી અને પ્રેમ પૂર્યો છે. આવનારાં વીસ વર્ષને લઈને હું ઉત્સુક છું.’