19 January, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આધ્યાત્મિક ગુરુ સદ્ ગુરુએ હાલમાં મુંબઈમાં યોજાયેલા કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી
આધ્યાત્મિક ગુરુ સદ્ ગુરુએ હાલમાં મુંબઈમાં યોજાયેલા કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ ફિલ્મ જોયા પછી સદ્ ગુરુએ કંગનાની આ ફિલ્મનાં બહુ વખાણ કર્યાં હતાં અને એને ખાસ ગણાવી હતી. ‘ઇમર્જન્સી’માં કંગનાની ઍક્ટિંગ વિશે વાત કરતાં સદ્ ગુરુએ કહ્યું હતું કે ‘લોકપ્રિય વ્યક્તિત્વને ફિલ્મમાં ન્યાય આપવાનું કામ સહેલું નથી, પણ કંગનાએ આ ફિલ્મમાં બહુ સરસ કામ કર્યું છે. ફિલ્મમાં એક જટિલ વિષયને બહુ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. જે ઘટનાક્રમ બન્યો હતો એને અઢી કલાકમાં સારી રીતે ન્યાય આપવાનું કામ સરળ નહોતું. મને લાગે છે કે એવા યુવાનોએ આ ફિલ્મ ખાસ જોવી જોઈએ જેઓ આ ફિલ્મ જે સમયગાળાને દર્શાવે છે એ સમયગાળાનો હિસ્સો નહોતા.’
સદ્ ગુરુએ પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે ‘ઇમર્જન્સી’ ભારતના ઇતિહાસના સૌથી ખાસ સમયગાળાને દર્શાવે છે. ફિલ્મની વાર્તા વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘આ અઢી કલાકમાં એવી તમામ મોટી ઘટનાઓને આવરી લેવામાં આવી છે જેણે દેશને આકાર આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ફિલ્મમાં કંગનાનાં ડિરેક્શન અને પર્ફોર્મન્સ બન્ને એક્સ્ટ્રા-ઑર્ડિનરી છે. આ મેં જોયેલા પર્ફોર્મન્સમાંનો સૌથી સારો પર્ફોર્મન્સ છે.’