10 October, 2023 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતાની ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ને લઈને તેના પર લાગ્યો દેશના લોકોને બગાડવાનો આરોપ
એકતા કપૂરની ફિલ્મ ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ શુક્રવારે રિલીઝ થઈ છે. એને લઈને સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ તેના પર આરોપ કર્યા છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એકે લખ્યું કે ‘ફિલ્મ ‘થૅન્ક યુ ફૉર કમિંગ’એ નિરાશ કર્યા છે. સમજમાં નથી આવતું કે મેકર્સ શું દેખાડવા માગે છે. દરેક વસ્તુની આઝાદી ન હોય અને જો એ જ વાતને ધ્યાનમાં રાખવામાં આવી હોય તો ફિલ્મને યોગ્ય રીતે નથી બનાવવામાં આવી. શહનાઝ ગિલને માત્ર ફિલ્મને પ્રમોટ કરવા માટે લેવામાં આવી છે. તેને યોગ્ય એવી સ્ક્રીન સ્પેસ નથી આપવામાં આવી. આવું જ કાંઈક કુશા કપિલા સાથે પણ થયું છે. ભૂમિ પેડણેકર ફિલ્મમાં સારી લાગે છે.’
તેને જવાબ આપતાં એકતાએ કમેન્ટ કરી કે ‘ફિલ્મ ‘થૅન્ક યુ ફોર કમિંગ’ને લઈને જે ઊહાપોહ મચી રહ્યો છે તો જણાવી દઉં કે આઝાદીની વ્યાખ્યા નક્કી ન કરી શકાય અને ઍક્યુરસી તો છોડી જ દો. મારા માટે એક સારી બાબત એ છે કે એના રિવ્યુથી હું ખુશ છું. પોલરાઇઝ્ડ કન્ટેન્ટની આજે જરૂર છે. ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ પાગલપંતીથી ભરેલી ફિલ્મ છે, જેને ક્રેઝી પાર્ટનર રિયા કપૂર સાથે મળીને બનાવી છે જે પિતૃસત્તાત્મક પ્રથાને ખતમ નહીં કરે પરંતુ તેમને છંછેડ્યા કરશે. આ ફિલ્મને અતિશય પ્રેમ મળી રહ્યો છે અથવા તો પારાવાર ગુસ્સો મળી રહ્યો છે. ‘થૅન્ક યુ ફૉર કમિંગ’માં અગત્યનો સવાલ એ ઉઠાવવામાં આવ્યો છે કે મહિલાઓ પોતાની પસંદગીનો નિર્ણય કરે તો એની સાથે આપણે કેટલા સહમત છીએ.’
એકે કમેન્ટ કરી કે તેણે અને કરણ જોહરે આખા ભારતને બગાડ્યું છે. તો અન્યએ કમેન્ટ કરી કે શેમ ઑન યુ. અન્યએ લખ્યું કે તમારા બન્નેને કારણે ભારતમાં વધુ ડિવૉર્સ થાય છે. અન્યએ એકતાને સલાહ આપી કે ઍડલ્ટ ફિલ્મો બનાવવાનું બંધ કર. તો તેને જવાબ આપતાં એકતાએ કમેન્ટ કરી કે ‘ના, નહીં બંધ કરું. હું ઍડલ્ટ છું. એથી હું ઍડલ્ટ ફિલ્મો બનાવીશ.’