કૂતરાઓ ભસ્યા કરે છે, કરડતા નથી : પ્રકાશ રાજ

10 February, 2023 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાનની ‘પઠાન’ના અફલાતૂન કલેક્શનને જોઈને ફિલ્મનો વિરોધ કરનારા લોકો માટે તેણે આવું કહ્યું

પ્રકાશ રાજ અને શાહરૂખ ખાન

શાહરુખ ખાનની ‘પઠાન’ જે પ્રકારે દેશ અને વિદેશમાં અફલાતૂન બિઝનેસ કરી રહી છે એને જોઈને પ્રકાશ રાજે એ ફિલ્મનો વિરોધ કરનારા લોકો માટે કહ્યું છે કે કૂતરાઓ ભસ્યા કરે છે, કરડતા નથી. ‘પઠાન’ની રિલીઝ અગાઉ એનો ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પચીસ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, જૉન એબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ લીડ રોલમાં છે. ‘પઠાન’નો વિરોધ કરનારા લોકોનો ઊધડો લેતાં પ્રકાશ રાજે કહ્યું કે ‘કેટલાક લોકોને ‘પઠાન’ પર પ્રતિબંધ લગાવવો હતો. ફિલ્મે તો ૭૦૦ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ઇડિયટ્સ, પક્ષપાતીઓ ‘પઠાન’ને બૅન કરવા માગતા હતા. તેમણે નરેન્દ્ર મોદીની બાયોપિકને ૩૦ કરોડ સુધી પણ ન પહોંચવા દીધી. તેઓ માત્ર ભસે છે, કરડતા નથી. તેઓ એક ધ્વનિ પ્રદૂષણ જેવા છે.’

આ સિવાય તેણે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની પણ નિંદા કરી છે. આ ફિલ્મમાં ૯૦ના દાયકામાં કાશ્મીરના પંડિતોની જે પ્રકારે નિર્દય હત્યા કરવામાં આવી હતી એ સત્ય ઘટના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ફિલ્મ ઑસ્કર અવૉર્ડની રેસમાંથી બહાર નીકળી ગઈ છે. એથી આ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની આકરા શબ્દોમાં નિંદા કરતાં પ્રકાશ રાજે કહ્યું કે ‘‘ધ કશ્મીર ફાઇલ્સ’ એક નૉન્સેન્સ ફિલ્મ છે, પરંતુ આપણે જાણીએ છીએ કે કોણે એને પ્રોડ્યુસ કરી છે. શરમ વગરના. ઇન્ટરનૅશનલ જ્યુરી તેમના પર થૂંકે છે. ડિરેક્ટર પૂછે છે કે ‘મને ઑસ્કર અવૉર્ડ કેમ નથી મળી રહ્યો?’ મારું તો કહેવું છે કે તેને તો ભાસ્કર પણ નહીં મળે, કારણ કે સમજદાર મીડિયા છે. અહીં તમે પ્રૉપગૅન્ડા ફિલ્મ બનાવી શકો છો. મારાં સૂત્રો પ્રમાણે તેમણે આવી ફિલ્મો બનાવવા માટે બે હજાર કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. જોકે તમે હંમેશાં લોકોને મૂર્ખ ન બનાવી શકો.’

આ પણ વાંચો : ‘પઠાન’ માટે ડિમ્પલ કાપડિયા નહીં, કુમુદ મિશ્રા હતા પહેલી પસંદ

ફક્ત ‘પઠાન’ માટે બુર્જ ખલીફા બુલ્વાર્ડને આજ સુધી બંધ કરાયો છે

શાહરુખ ખાનની ‘પઠાન’ના શૂટિંગ માટે દુબઈમાં આવેલા બુર્જ ખલીફા બુલ્વાર્ડને બંધ કરાયો હતો. આવું પહેલી વખત થયું છે જ્યારે કોઈ ફિલ્મ માટે આવું કરવામાં આવ્યું હોય. ‘પઠાન’ની ઍક્શન સીક્વન્સ બુર્જ ખલીફા બુલ્વાર્ડમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મને આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરી છે. ​આ ​સીક્વન્સ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું કે ‘સૌથી અઘરી ઍક્શન સીક્વન્સ એક ચાલતી ટ્રેનના ટૉપ પર, બીજી હવામાં પ્લેનમાં અને ત્રીજી દુબઈમાં બુર્જ ખલીફા બુલ્વાર્ડ પાસે હતી. અત્યાર સુધી કોઈ હૉલીવુડ ફિલ્મ એ કરી નથી શકી. દુબઈમાં આ સીક્વન્સ શૂટ કરવી અશક્ય લાગતું હતું, પરંતુ દુબઈ પોલીસ અને પ્રશાસને એ શક્ય કરી દેખાડ્યું. મારા ફ્રેન્ડ્સ જે બુલ્વાર્ડમાં રહે છે, તેમણે મને જણાવ્યું હતું કે સર્ક્યુલર્સ આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ચોક્કસ દિવસે ચોક્કસ સમય માટે તમે બુલ્વાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. એથી એ પ્રમાણે તમારું પ્લાનિંગ કરજો. તેઓ એ જાણીને ચોંકી ગયા કે ઓહ માય ગૉડ, આ તો મારી ફિલ્મ માટે છે. મેં જણાવ્યું કે મને વિશ્વાસ નથી થતો. જો તેઓ મારા વિઝન સાથે સહમત ન થયા હોત અને અમને દિલથી સપોર્ટ ન કર્યો હોત તો આ શક્ય ન થયું હોત. એથી હું દુબઈ પોલીસ અને દુબઈ પ્રશાસનનો આભાર માનું છું.’

436.75

બુધવાર સુધીમાં આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો શાહરુખ ખાનની ‘પઠાન’ના હિન્દી વર્ઝને

અનેક દાયકાઓ બાદ શ્રીનગરનાં થિયેટર્સ હાઉસફુલ જઈ રહ્યાં છે. - નરેન્દ્ર મોદી

entertainment news bollywood news bollywood gossips bollywood pathaan Shah Rukh Khan narendra modi prakash raj vivek agnihotri