13 October, 2024 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવ્યા ખોસલાએ શૅર કરેલો ખાલી થિયેટરનો ફોટો
૧૧ ઑક્ટોબરે રિલીઝ થયેલી ‘જિગરા’ ફિલ્મની વાર્તા જોતાં સોશ્યલ મીડિયા પર ચર્ચા થવા લાગી હતી કે આ વર્ષે જ મે મહિનામાં આવેલી ફિલ્મ ‘સાવી’ની વાર્તા પરથી ‘જિગરા’ની વાર્તા ઉઠાવવામાં આવી છે. ‘સાવી’માં લીડ કૅરૅક્ટર ભજવનાર દિવ્યા ખોસલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો મૂક્યો, જેમાં થિયેટરમાં સ્ક્રીન પર ‘જિગરા’ ફિલ્મ ચાલી રહી છે. આ ફોટો મૂકીને દિવ્યા ખોસલાએ લખ્યું, ‘જિગરા’ જોવા PVR સિટી મૉલ ગઈ હતી. થિયેટર આખું ખાલી હતું. દરેક જગ્યાએ થિયેટર્સ ખાલી જ પડ્યાં છે. આલિયા ભટ્ટ ખરેખર જિગરવાળી છે. પોતે જ ટિકિટ ખરીદી અને નકલી કલેક્શન અનાઉન્સ કરી દીધું. સમજાતું નથી કે પેઇડ મીડિયા આખરે ચૂપ કેમ છે.’ દિવ્યાએ આ લખાણના અંતે હૅશટૅગ મૂક્યા હતા, જેમાં લખ્યું હતું કે ઑડિયન્સને મૂર્ખ ન સમજો, સત્ય હંમેશાં જૂઠ પર ભારે પડે છે.
સાવી અને જિગરામાં સમાનતા
‘સાવી’માં દિવ્યા ખોસલા, અનિલ કપૂર અને હર્ષવર્ધન રાણે જેવાં કલાકારો હતાં. અભિનય દેવે એ ડિરેક્ટ કરી હતી. ફ્રેન્ચ ફિલ્મ ‘ઍનિથિંગ ફૉર હર’ની સત્તાવાર રીમેક ‘સાવી’માં પત્ની તેના પતિને જેલમાંથી છોડાવવા માટે સાહસ કરે છે, જ્યારે ‘જિગરા’માં આલિયા ભટ્ટનું પાત્ર તેના ભાઈને જેલમાંથી છોડાવવા માટે વિદેશ જાય છે. સાવીની મદદ અનિલ કપૂર કરે છે, ‘જિગરા’માં આલિયાની મદદ મનોજ પાહવા કરે છે. બન્ને ફિલ્મની વાર્તા વચ્ચેની આ સમાનતાની ક્રિટિક્સે નોંધ લીધી હતી અને એની ચર્ચા સોશ્યલ મીડિયા પર ચાલી રહી હતી, પરંતુ હવે દિવ્યા ખોસલાએ ઑફિશ્યલી સ્ટેટમેન્ટ આપી દીધું છે. જોકે હજી સુધી ‘જિગરા’ની ટીમ તરફથી કોઈ જવાબ આવ્યો નથી.