14 October, 2024 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર, દિવ્યા ખોસલા
દિવ્યા ખોસલાએ પોતાની ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં આલિયા ભટ્ટને ઉદ્દેશીને ‘જિગરા’ ફિલ્મને ટાર્ગેટ કરી હતી. તેણે ખાલી સિનેમાહૉલનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘આલિયા ભટ્ટ ભારે જિગરવાળી છે, પોતે જ ટિકિટ ખરીદી અને ફેક કલેક્શન અનાઉન્સ કરી દીધું.’
દિવ્યાના આ સ્ટેટમેન્ટ બાદ ‘જિગરા’ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહરે એક સ્ટોરી મૂકી હતી, જેમાં લખેલું હતું : ‘મૂર્ખાઓ માટે સાયલન્સ સૌથી બેસ્ટ જવાબ છે.’ આ સ્ટોરીમાં કરણ જોહરે દિવ્યા ખોસલા કે ‘સાવી’ ફિલ્મને મેન્શન નથી કર્યાં, પરંતુ પોસ્ટના ટાઇમિંગ પરથી લોકોએ અંદાજ લગાવ્યો કે આ દિવ્યાની સ્ટોરીને આપવામાં આવેલો જવાબ છે.
કરણ જોહરની આ સ્ટોરીના થોડા સમય બાદ દિવ્યા ખોસલાએ પણ કોઈને મેન્શન કર્યા વિના બે સ્ટોરી મૂકી. એકમાં તેણે લખ્યું, ‘મૂર્ખાઓ હંમેશાં સત્યથી ઑફેન્ડ થાય છે.’ અને બીજી સ્ટોરીમાં દિવ્યાએ લખ્યું કે ‘જ્યારે તમે નિર્લજ્જતાથી બીજાની વસ્તુઓ ચોરીને એના પર હક જમાવો છો ત્યાર પછી તમારી પાસે ચૂપ રહેવાનો જ વિકલ્પ બચે છે. આવા લોકો પાસે પોતાનો અવાજ, પોતાનું સ્ટૅન્ડ તો હોતાં નથી.’
આ વર્ષે મે મહિનામાં રિલીઝ થયેલી ‘સાવી’ ફિલ્મમાં દિવ્યા ખોસલા લીડ કૅરૅક્ટરમાં હતી, જે પોતાના પતિને જેલમાંથી સાહસ કરીને છોડાવે છે. ૧૧ ઑક્ટોબરે આવેલી ‘જિગરા’ ફિલ્મમાં આલિયા ભટ્ટનું પાત્ર તેના ભાઈને જેલમાંથી છોડાવે છે. વાર્તામાં આ સમાનતાના કારણે, ‘જિગરા’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ દિવ્યાની PR ટીમ આરોપ લગાવી રહી છે કે ‘સાવી’ની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને ‘જિગરા’ના નામથી રિલીઝ કરવામાં આવી છે.