08 June, 2019 03:16 PM IST |
ડિમ્પલ કપાડિયા
ડિમ્પલ કપાડિયાએ 16 વર્ષની ઉંમરે ફિલ્મજગતમાં પગ મૂક્યો અને આજ સુધી તેમની લોકપ્રિયતા જળવાઇ રહી છે. ડિમ્પલની ફેશન સેન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ આજે પણ યૂનિક છે. તમે ડિમ્પલને ટ્વિંકલ ખન્નાની માતા અથવા અક્ષય કુમારની સાસ તરીકે વધુ ઓળખતા હશો, પણ ડિમ્પલ કપાડિયા પોતાના સમયની સારી અભિનેત્રીઓમાં સ્થાન પામતી અભિનેત્રી છે. ડિમ્પલ કપાડિયા આજે પોતાનો 62મો જન્મદિવસ ઉજવી રહી છે. અને અહીં તમને જાણવા મળશે તેના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો.
ડિમ્પલનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો
ડિમ્પલનો જન્મ 8 જૂન 1957માં એક ગુજરાતી પરિવારમાં થયો. કહેવાય છે કે ડિમ્પલના પિતા ચુન્નીભાઇ કપાડિયા સંપન્ન પરિવારથી હતા અને તે પોતાના ઘર સમુદ્ર મહેલમાં લગભગ ફિલ્મી સિતારાઓને પાર્ટી આપતાં હતા. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમેકર રાજ કપૂરે 15 વર્ષની ડિમ્પલને જોઇ ત્યારે જ નક્કી કરી લીધું કે ડિમ્પલ તેમની ફિલ્મોમાં કામ કરશે. રાજ કપૂરે મેરા નામ જોકર બનાવી હતી જે રિલીઝના સમયે સુપર ફ્લોપ રહી હતી. તેમનું ઘર, ઑફિસ, બંગલો બધું જ વેંચવું પડે તેવી પરિસ્થિતિ આવી ગઇ હતી. તેમણે તે સમયે યુવાનો માટે ફિલ્મ બનાવી, બૉબી. હીરો ઘરમાં જ હતો અને હીરોઇન માટે રાજ કપૂરની આંખો ડિમ્પલ પર ટેકાયેલી હતી. ફક્ત પંદર વર્ષની ઉંમરમાં ડિમ્પલે ફિલ્મ બૉબીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. ઋષિ કપૂર સાથે કરેલી પહેલી ફિલ્મ બૉબી માટે ડિમ્પલને ફિલ્મફેર બેસ્ટ એક્ટર ફિમેલનો એવોર્ડ મળ્યો હતો.
માત્ર 16 વર્ષની ઉંમરમાં સર કર્યા સફળતાના શિખરો
આજે બૉલીવુડમાં એવી કેટલીય અભિનેત્રીઓ છે જે ખૂબ જ નાની ઉંમરમાં સફળતાના શિખરો સર કરી ચૂકી છે. પણ, શું તમે જાણો છો કે આજથી 45 વર્ષ પહેલા એક અભિનેત્રી એવી પણ હતી જેણે ફક્ત 16 વર્ષની ઉંમરમાં પોતાના કૉન્ફિડેન્સ, ટેલેન્ટ અને અભિનયના બળે તે સ્ટારડમ મેળવી લીધી કે હિન્દી સિનેમાનો પહેલો સુપર સ્ટાર તેની સાથે લગ્ન કરવા માટે બન્નેની ઉંમરનું અંતર પણ ભૂલી ગયો. બૉબીની બંપર સફળતા બાદ જ્યારે ડિમ્પલે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર રાજેશ ખન્નાથી લગભગ અડધી હતી.
4 દાયકામાં આપી 75 ફિલ્મો
ડિમ્પલ કપાડિયાએ પોતની 4 દાયકાની કારકિર્દીમાં લગભગ 75 ફિલ્મોમાં અભિનય કર્યો. ફિલ્મમોમાં નાની ઉમરમાં પોતાની એક આગવી છાપ મૂકનાર અભિનેત્રી ડિમ્પલ કપાડિયાએ સાબિત કર્યું કે લગ્ન અને બાળકો કોઈની સફળતામાં બાધક નથી બનતા. 60 વર્ષની ઉંમરે પણ જુદા જુદા પાત્રો માટે તેમની ઉત્સુકતા જળવાયેલી છે.
આ પણ વાંચો : Bharat Box Office collection: ચોથા દિવસે પહોંચશે 100 કરોડની લિસ્ટમાં
રાજેશ ખન્ના સાથે લાગણી હિનતા
લગ્ન પછી રાજેશ ખન્નાના કહેવા પર ડિમ્પલે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડિમ્પલને બે દીકરીઓ ટ્વિંકલ અને રિંકી થઇ. પણ બન્નેના લગ્ન બહુ ટક્યા નહીં અને 1982માં રાજેશ ખન્ના અને ડિમ્પલે જુદા થવાનો નિર્ણય લઇ લીધો. ડિમ્પલ પોતાની બન્ને દીકરીઓ સાથે અલગ રહેવા લાગી. વર્ષ 1990માં ડિમ્પલે રાજેશ ખન્ના સાથે ફિલ્મ જય શિવ શંકરમાં કામ પણ કર્યું. ડિમ્પલ અને રાજેશ ખન્ના વર્ષો સુધી એકબીજાથી જુદાં રહ્યા પણ બન્નેએ એકબીજાને ક્યારેય ડિવોર્સ આપ્યો નહીં.