09 March, 2020 07:40 PM IST | Mumbai Desk
દિયા મિર્ઝા
દિયા મિર્ઝાનું કહેવું છે કે તેના પિતા અને સાવકા પિતાએ જીવન પ્રતિની તેની સમજ પર અસર કરી હતી. તે જ્યારે નાની હતી ત્યારે જ તેના પેરન્ટ્સ છૂટા પડી ગયા હતા. ત્યાર બાદ તેના સાવકા પિતા એ વાત સારી રીતે જાણતા હતા કે સ્થિતિને કેવી રીતે સંભાળી શકાય. પોતાના પેરન્ટ્સ વિશે જણાવતાં દિયાએ કહ્યું હતું કે ‘એક બાળક તરીકે મને આજે પણ યાદ છે કે મારા પેરન્ટ્સે સાથે રહેવા માટે અને સ્થિતિને થાળે પાડવા માટે કેવી સ્ટ્રગલ કરી હતી. એથી તેમણે અલગ રહેવાનું જ નક્કી કર્યું હતું. તેઓ એકબીજાની ખૂબ દેખભાળ રાખતાં હતાં અને એકબીજાને પ્રેમ પણ કરતાં હતાં. તેઓ સાથે રહી નહોતાં શકતાં, કારણ કે તેમને લાઇફમાંથી અલગ-અલગ વસ્તુઓ જોઈતી હતી.’
પોતાના સાવકા પિતા વિશે દિયાએ કહ્યું હતું કે ‘મારા સાવકા પિતા માણસાઈનું એક ઉત્તમ ઉદાહરણ હતા. તેમને એક પિતા તરીકે સ્વીકારવામાં મને ખૂબ સમય લાગ્યો હતો. જોકે તેમણે સમજદારી દેખાડતાં મારી સાથે ફ્રેન્ડશિપ કરી હતી. ૧૮ વર્ષની ઉંમરમાં હૈદરાબાદ છોડવું અને તેમની કાળજીથી વંચિત રહેવું મારા માટે ખૂબ દુ:ખી કરનારું હતું. મેં જન્મ આપનારા પિતાને ત્યારે ગુમાવ્યા જ્યારે હું કંઈ જ નહોતી. ૨૩ વર્ષની ઉંમરમાં મેં મારા સાવકા પિતાને ગુમાવ્યા હતા. આ બન્ને પુરુષોએ જીવન પ્રતિની મારી સમજ પર ઊંડી છાપ છોડી હતી.’
દિયા મિર્ઝાનું કહેવું છે કે તેના સાહિલ સંઘા સાથે ડિવૉર્સ બાદ લોકોનું તેના પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું છે. આ બન્નેએ ગયા વર્ષે પરસ્પર સમજૂતીથી છૂટા થવાનો નિર્ણય લીધો હતો. સાથે જ જણાવ્યું હતું કે તેમની પ્રાઇવસીને પણ માન આપવું જોઈએ. ડિવૉર્સ બાદ લોકોનું વર્તન બદલાયું છે એ વિશે દિયા મિર્ઝાએ કહ્યું હતું કે લોકો તેને હજી પણ પૂછે છે કે તું આટલી સ્ટ્રૉન્ગ કેમ છે. કેટલાક લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. તો અમુક લોકો લાગણી દેખાડે છે. સાથે જ ડિવૉર્સ શબ્દને લઈને સમાજમાં જે પ્રકારની કલ્પના છે એ વિશે દિયાનું માનવું છે કે વ્યક્તિને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે તેણે ક્યારે સમાધાન કરવાનું અને લાઇફમાં ઍડ્જસ્ટ કરવાનું બંધ કરવું જોઈએ. એ જાતે નક્કી કરવું એ તમારી પર્સનલ ચૉઇસ છે.