03 April, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર મુંબઈની એક હૉસ્પિટલની બહાર જોવા મળ્યા
બૉલીવુડમાં હીમૅન તરીકે જાણીતા ૮૯ વર્ષના ધર્મેન્દ્રના લેટેસ્ટ વિડિયોને કારણે તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે. હાલમાં ધર્મેન્દ્ર મુંબઈની એક હૉસ્પિટલની બહાર જોવા મળ્યા હતા અને તેમની એક આંખ પર પટ્ટી લાગેલી હતી. તેમની આ હાલત જોઈને ફૅન્સ ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે ધર્મેન્દ્રના હિંમતભર્યા અભિગમને કારણે ચાહકો તેમના પર ફિદા થઈ ગયા છે.
હાલમાં ઇન્ટરનેટ પર ધર્મેન્દ્રનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ધર્મેન્દ્ર એક બિલ્ડિંગમાંથી બહાર આવી રહ્યા છે અને એ વખતે તેમની આંખ પર પટ્ટી બાંધેલી છે. ધર્મેન્દ્રને ફોટોગ્રાફરોએ પૂછ્યું કે તમે કેમ છો? તેમણે તરત જ હસીને કહ્યું કે મારામાં હજી ઘણી તાકાત બચી છે અને હું મારી આંખની સારવાર કરાવીને આવ્યો છું.
મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રએ આઇ-ગ્રાફ્ટ (કૉર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન) કરાવ્યું છે અને તેમની તબિયત સારી છે. ધર્મન્દ્ર સોશ્યલ મીડિયા પર અવારનવાર પોતાની રૅર તસવીરો શૅર કરે છે અને પોતાના જીવનની અપડેટ આપતા રહે છે.