ધનશ્રી વર્માએ મૌન તોડીને ચરિત્રહનનનો આરોપ મૂક્યો, પણ ડિવૉર્સની વાતને રદિયો પણ ન આપ્યો

10 January, 2025 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધનશ્રીએ છેલ્લા થોડા દિવસથી જે વાતો થઈ રહી છે એના વિશે પ્રતિક્રિયા આપી છે

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર-યુટ્યુબર પત્ની ધનશ્રી વર્મા

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર-યુટ્યુબર પત્ની ધનશ્રી વર્મા ડિવૉર્સ લઈ રહ્યાં છે, ધનશ્રીએ યુઝવેન્દ્રનો ઉપયોગ કરીને તેને છોડી દીધો વગેરે જેવી વાતો થોડા દિવસથી ચાલી રહી છે. યુઝવેન્દ્ર ચહલ થોડાક દિવસથી સોશ્યલ મીડિયા પર ભગ્ન હૃદયે લખાઈ હોય એવી અને જાણે જીવનના પાઠ શીખી લીધા હોય એવી પોસ્ટ મૂકી રહ્યો છે, પણ ધનશ્રીએ આખરે ગઈ કાલે આ બાબતે મૌન તોડ્યું છે. ધનશ્રીએ છેલ્લા થોડા દિવસથી જે વાતો થઈ રહી છે એના વિશે પ્રતિક્રિયા આપી છે, પણ નવાઈની વાત એ છે કે ડિવૉર્સની વાત સાચી છે કે ખોટી એની કોઈ સ્પષ્ટતા નથી કરી. ધનશ્રીએ શું લખ્યું છે એના અંશ તેના જ શબ્દોમાં વાંચીએ...

છેલ્લા થોડાક દિવસ મારા અને મારા પરિવાર માટે અત્યંત અઘરા રહ્યા. અપસેટ કરનારી વાત એ છે કે અજાણ્યા ટીકાખોરો તથ્યોની ચકાસણી વગર પાયાવિહોણી વાતો લખી રહ્યા છે, ચરિત્રહનન કરી રહ્યા છે અને નફરત ફેલાવી રહ્યા છે. મારું નામ અને નિષ્ઠા બનાવવામાં મેં વર્ષો સુધી સખત મહેનત કરી છે. મારું મૌન એ મારી નિર્બળતાની નહીં પણ મારી મજબૂતીની નિશાની છે. ઑનલાઇન માધ્યમથી નકારાત્મકતા આસાનીથી પ્રસરે છે, પણ લોકોને ઉપર લાવવામાં સાહસ અને અનુકંપાની જરૂર પડે છે. હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને અને મારાં મૂલ્યોને વળગી રહીને આગળ વધવા માગું છું. કોઈ પણ સફાઈ આપવાની જરૂર વગર સત્ય ટટ્ટાર ઊભું રહે છે. ઓમ નમ: શિવાય.

Yuzvendra Chahal dhanashree verma bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news