10 November, 2024 11:10 AM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
દિલ્હી ગણેશ
બૉલીવુડ જગતમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ તમિલ એક્ટર દિલ્હી ગણેશનું નિધન (Delhi Ganesh Death) થયું છે. તેઓએ સહાયક ભૂમિકાઓમાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી. 80 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા છે. 9 નવેમ્બર, 2024ના રોજ રાત્રે તબિયત લથડી જતાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
પરિવારે શોકમગ્ન થઈ આપી માહિતી
અભિનેતા દિલ્હી ગણેશ (Delhi Ganesh Death)ના પરિવારે આ વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "અમને જણાવતાં ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પિતા દિલ્હી ગણેશનું 9મી નવેમ્બરે રાત્રે 11 વાગ્યે નિધન થયું છે” તેમના પાર્થિવ દેહને ચેન્નાઈના રામાપુરમમાં રાખવામાં આવ્યો છે. અભિનેતાના અંતિમ સંસ્કાર 11 નવેમ્બરે કરવામાં આવશે.
૪૦૦થી પણ વધારે ફિલ્મોમાં કર્યું હતું કામ
અભિનેતા દિલ્હી ગણેશ (Delhi Ganesh Death)ની જર્ની પર નજર કરીએ તો તેઓએ અનેક દાયકાઓ સુધી કામ કર્યું હતું. એટલું જ નહીં તેઓએ 400થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તમિલ સિનેમામાં એક પ્રિય પાત્ર અભિનેતા તરીકે તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. તેઓ કોઈપણ ભૂમિકામાં ખૂબ ઊંડે ઊતરી જઈને પાત્રને ભજવતા હતા. એ પાત્ર પછી હાસ્ય કલાકાર તરીકેનું હોય કે પછી ખલનાયક તરીકેનું હોય. વર્ષોથી તેઓએ રજનીકાંત, કમલ હાસન અને અન્ય સહિત તમિલ સિનેમાના કેટલાક મહાન સ્ટાર્સ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી, આજે તેઓની વસમી વિદાય વેળાએ બૉલીવુડ અને ખાસ તો તમિલ સિનેમા જગતને ખોટ પડી છે.
દિલ્હી ગણેશે 1976માં સુપ્રસિદ્ધ કે. બાલાચંદર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ `પટ્ટિના પ્રવેશમ` સાથે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 1981માં તેઓએ `ઈંગમ્મા મહારાણી`માં હીરોની ભૂમિકા ભજવી હતી, પરંતુ સહાયક અભિનેતા તરીકેના તેમના વ્યાપક કામે તેમને ઘર-ઘરમાં જાણીતા બનાવી દીધા હતા. `સિંધુ ભૈરવી` (1985), `નાયકન` (1987), `માઇકલ મદના કામા રાજન` (1990), `આહા..!` જેવી ફિલ્મોમાં અભિનયનો સમાવેશ થાય છે.
અનેક પુરસ્કારોથી થયા હતા સન્માનિત
મિત્રો, તમિલ સિનેમામાં દિલ્હી ગણેશ (Delhi Ganesh Death)ના યોગદાનને હંમેશા યાદ કરવામાં વશે. તેમણે `પાસી` (1979)માં બેસ્ટ અભિનય માટે તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર વિશેષ પુરસ્કાર જીત્યો હતો. આ સાથે જ અભિનય ક્ષેત્રમાં તેમનાં માતબર પ્રદાન બદલ તેઓની શ્રેષ્ઠતાને માન આપતાં 1994માં તત્કાલિન મુખ્ય પ્રધાન જે જયલલિતા દ્વારા પ્રતિષ્ઠિત ‘કલાઈમામણિ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની કારકિર્દીના પાછલા તબક્કામાં દિલ્હી ગણેશે ટેલિવિઝન અને ટૂંકી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે તે ટૂંકી ફિલ્મ `વોટ ઈફ બેટમેન વોઝ ફ્રોમ ચેન્નાઈ`માં આલ્ફ્રેડ પેનીવર્થ તરીકે યાદગાર પાત્રમાં દેખાયા હતા. કાર્તિક નરેનના નિર્દેશનમાં 2016ની રોમાંચક ફિલ્મ `ધુરુવંગલ પથિનારુ`માં તેની ટૂંકી ભૂમિકાને પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. તેઓ દિલ્હી સ્થિત થિયેટર સમૂહ દક્ષિણ ભારત નાટક સભાના સભ્ય પણ હતા. ટૂંકી માંદગીમાં તેઓનું અવસાન થતાં તમિલ સિનેમા જગત શોકમાં મુકાયું છે.