30 May, 2024 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
IMDb એટલે કે ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝે હાલમાં સો કલાકારોનું એક લિસ્ટ બહાર પાડ્યું છે જેમાં એ ઇન્ડિયન સ્ટાર્સનો સમાવેશ છે જેમને દસ વર્ષમાં ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. આ લિસ્ટ ૨૦૧૪થી ૨૦૨૪ સુધીમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા કલાકારને મળેલા વ્યુ પર આધારિત છે. IMDb ટીવી-શો, ફિલ્મો, ઍક્ટર્સ અને ડિરેક્ટર્સની સાથે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની અન્ય પર્સનાલિટીઝની માહિતીઓ પૂરી પાડે છે. તેમણે બહાર પાડેલા આ લિસ્ટમાં પહેલા નંબર પર દીપિકા પાદુકોણ છે. તો બીજા નંબર પર શાહરુખ ખાન છે. ત્રીજા ક્રમાંક પર ઐશ્વર્યા રાય બચ્ચન, ચોથા પર આલિયા ભટ્ટ, પાંચમા પર ઇરફાન, છઠ્ઠા નંબરે આમિર ખાન, સાતમા ક્રમાંકે સુશાંત સિંહ રાજપૂત, આઠમા નંબરે સલમાન ખાન, નવમા ક્રમાંકે હૃતિક રોશન અને દસમા નંબરે અક્ષયકુમાર છે. નંબર વન બનવાથી દીપિકા કહે છે, ‘હું ખૂબ આભારી છું કે મારો સમાવેશ આ લિસ્ટમાં થયો છે, જે ગ્લોબલ ઑડિયન્સની લાગણીઓને રજૂ કરે છે. IMDb વિશ્વાસનું પ્રતીક છે; જે લોકોના જુનૂન, રસ અને પ્રાથમિકતાઓને દેખાડે છે. આ ઓળખ અને દર્શકોનો મળેલો પ્રેમ મને ભવિષ્યમાં વધુ સારું કામ કરવા માટે પ્રેરિત કરશે.’