03 September, 2024 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે કરાવેલા મૅટરનિટી ફોટોશૂટના ફોટોગ્રાફ
દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે કરાવેલા મૅટરનિટી ફોટોશૂટના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરતાં જ તેમના ફૉલોઅર્સમાં ચર્ચા શરૂ થઈ છે કે આ સેલિબ્રિટી કપલ ટ્વિન્સની અપેક્ષા રાખી રહ્યું છે કે કેમ. ગઈ કાલે રણવીર અને દીપિકાએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમના ફોટોશૂટની ઘણી મોનોક્રોમૅટિક તસવીરો મૂકી હતી જેમાં દીપિકા તેના બેબી-બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાય છે. રણવીર સિંહ પણ પત્નીને ગળે લગાવે છે અને હગ કરે છે એવી તસવીરો તેમના ચાહકોને જોરદાર ગમી છે. એમાં આ કપલની સુંદર કેમિસ્ટ્રી દેખાઈ રહી છે.
દીપિકા પર ગર્ભાવસ્થાની તેજસ્વી ચમક છે અને તે એકદમ સુંદર દેખાઈ રહી છે. તેણે આ ફોટોશૂટ માટે અલગ-અલગ આઉટફિટ પહેર્યાં છે જેમાં લૂઝ કાર્ડિગન, બ્લેઝર અને સ્વેટરનો સમાવેશ છે. તે સુંદરતા અને નજાકતને મૂર્તિમંત કરી રહી છે અને તેણે મૅટરનિટી ફૅશનમાં નવાં સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યાં હોય એવું લાગી રહ્યું છે.
જ્યારે આ સેલિબ્રિટી કપલે તેમના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં મૂક્યા કે તરત જ યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ કદાચ ટ્વિન્સની અપેક્ષા રાખી રહ્યું છે. એક યુઝરે લખ્યું કે મને લાગે છે કે આપણે ટ્વિન્સનું સ્વાગત કરીશું. બીજા એક યુઝરે લખ્યું છે કે એવું લાગી રહ્યું છે કે જુડવા આવી રહ્યા છે.