11 January, 2025 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
લાર્સન ઍન્ડ ટુબ્રો (L&T)ના ચૅરમેન એસ. એન. સુબ્રમણ્યને અઠવાડિયામાં ૯૦ કલાક કામ કરવા વિશે આપેલા નિવેદન પર જોરદાર વિવાદ થયો છે અને હવે આ વિવાદમાં ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ ઉમેરાઈ છે. હર્ષ ગોએન્કા અને બૅડ્મિન્ટન-પ્લેયર જ્વાલા ગુટ્ટાએ પણ આ નિવેદનની ઝાટકણી કાઢી હતી. લોકોએ માત્ર સુબ્રમણ્યનના નિવેદનની જ નહીં, આ પ્રકારની વાતો કરનારા લોકોની પણ ઝાટકણી કાઢી છે.
દીપિકા પાદુકોણે સુબ્રમણ્યનના નિવેદન પર આક્રોશ વ્યક્ત કરતાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પત્રકારની પોસ્ટને શૅર કરતાં લખ્યું, ‘એક એવી વ્યક્તિ જે આટલા મોટા પદ પર બેઠી છે તેનું આ પ્રકારનું નિવેદન ઘણું જ હેરાન-પરેશાન કરનારું છે.’
દીપિકાએ આ પોસ્ટમાં એક હૅશટૅગ #metalhealthmattersનો પણ ઉપયોગ કર્યો છે. તે આ હૅશટૅગ દ્વારા જણાવવા માગે છે કે મેન્ટલ હેલ્થ પણ ખૂબ જરૂરી છે.
દીપિકા પાદુકોણ આ પહેલાં પણ મેન્ટલ હેલ્થને સપોર્ટ કરતી જોવા મળી છે. તેણે ઘણી વાર ઇન્ટરવ્યુમાં ડિપ્રેશન અને માનસિક પરેશાની પર વાત કરતા લોકોને સલાહ પણ આપી છે. તે ખુદ આ સંબંધિત લિવ-લવ-લાફ નામના નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)નું પણ સંચાલન કરે છે.
હર્ષ ગોએન્કાએ શું કહ્યું?lar
આખું અઠવાડિયું લોકો પાસે લાંબા સમય સુધી કામ કરાવવાના વિચાર સામે ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ રવિવારનું નામ સન્ડેને બદલે સન-ડ્યુટી રાખવાની મજાકભરી ટિપ્પણી કરી હતી અને ચેતવણી આપી હતી કે આખું અઠવાડિયું કામ કરીને માણસ બર્નઆઉટ થઈ જશે; વર્ક-લાઇફ બૅલૅન્સ જરૂરી છે, એ વૈકલ્પિક નથી.
જ્વાલા ગુટ્ટાએ શું કહ્યું?
ભૂતપૂર્વ બૅડ્મિન્ટન ચૅમ્પિયન જ્વાલા ગુટ્ટાએ સુબ્રમણ્યનના નિવેદનને અયોગ્ય અને નિરાશાજનક ગણાવીને કહ્યું હતું કે શક્તિશાળી હોદ્દા પર બેસેલા શિક્ષિત લોકો માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવામાં નિષ્ફળ જાય છે એ દુખદ છે.
કયા નિવેદન પર થયો વિવાદ?
L&Tના ચૅરમૅન એસ. એન. સુબ્રમણ્યને રેડિટ પર પ્રસારિત એક અનડેટેડ વિડિયોમાં સૂચન કર્યું હતું કે કર્મચારીઓએ ઉત્પાદકતા વધારવા અને પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે અઠવાડિયામાં ૯૦ કલાક અને રવિવારે પણ કામ કરવું જોઈએ. તેમના આ નિવેદનની સોશ્યલ મીડિયામાં આકરી ટીકા થઈ હતી. વાઇરલ થયેલા વિડિયોમાં સુબ્રમણ્યને કહ્યું હતું કે ‘ઈમાનદારીથી કહું તો મને એ વાતનો ખેદ છે કે હું રવિવારે તમારી પાસે કામ કરાવી શકતો નથી. જો હું તમારી પાસે રવિવારે પણ કામ કરાવી શકું તો હું ખુશ થઈ જઈશ, કારણ કે રવિવારે હું પણ કામ કરું છું.’
જીવનમાં વર્ક-લાઇફ બૅલૅન્સના વિચારને ઉડાવી દેતાં એસ. એન. સુબ્રમણ્યને એક વિવાદાસ્પદ કમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘રવિવારે ઘરમાં બેસીને શું કરશો? તમે તમારી પત્નીને કેટલી વાર સુધી જોઈ શકો છો? પત્નીઓ પણ પોતાના પતિને ઘરે કેટલી વાર જોઈ શકે છે, ઘૂરી શકે છે? ઑફિસમાં આવી જાઓ અને કામ કરવાનું શરૂ કરી દો.’ પોતાની કમેન્ટને જરૂરી ઠરાવતાં સુબ્રમણ્યને એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘મારી એક વાર ચીનના એક માણસ સાથે વાત થતી હતી. ચાઇનીઝે કહ્યું કે ચીનમાં લોકોની કામ પ્રતિ ભાવના અને પ્રતિબદ્ધતાને કારણે એક દિવસ ચીન અમેરિકાને પછાડીને આગળ થઈ જશે. ચીનના લોકો અઠવાડિયામાં ૯૦ કલાક કામ કરે છે, જ્યારે અમેરિકનો માત્ર ૫૦ કલાક કામ કરે છે.’
કંપનીએ કરી સ્પષ્ટતા, દીપિકા પાદુકોણ વધુ ભડકી
L&Tમાં રાષ્ટ્રનિર્માણ અમારું મુખ્ય લક્ષ્ય છે. આઠ દસકા કરતાં વધુ સમયથી અમે ભારતના મૂળભૂત ઢાંચા, ઉદ્યોગ અને ટેક્નૉલૉજીની ક્ષમતાને આકાર આપી રહ્યા છીએ. અમારું માનવું છે કે આ ભારતનો દાયકો છે, એક એવો સમય જેમાં પ્રગતિને આગળ વધારવાની સાથે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપણા સામૂહિક સમર્પણ અને પ્રયાસની જરૂર છે. ચૅરમૅનની ટિપ્પણી આ મોટી મહત્ત્વાકાંક્ષાને દર્શાવે છે જે એ વાત પર ધ્યાન આપે છે કે અસાધારણ પરિણામ મેળવવા માટે અસાધારણ પ્રયાસની જરૂર હોય છે. L&Tમાં અમે એક એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં ઝનૂન, ઉદ્દેશ અને કાર્યને આગળ વધારે છે.
કંપનીની આ સ્પષ્ટતા પછી દીપિકા વધુ ભડકી હતી અને તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે આ તો વધુ ખરાબ કહેવાય.