20 January, 2025 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દર્શન રાવલે બેસ્ટ ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે લગ્ન કરી લીધાં
જાણીતા ગાયક દર્શન રાવલે લગ્ન કરી લીધાં છે. તેણે પોતાનાં લગ્નના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે એને જોઈને તેના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. દર્શને ૩૦ વર્ષની વયે પોતાની બેસ્ટ ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે કોઈ પણ ધમાલ કે હોહા કર્યા વિના લગ્ન કરી લીધાં છે. દર્શનનાં લગ્નની તસવીરો હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.
દર્શને પત્ની સાથેની તસવીરો શૅર કરતી વખતે કૅપ્શન લખી હતી, મારી બેસ્ટ ફ્રેન્ડ ફૉરએવર. હવે આ પોસ્ટ પર સિલિબ્રિટીઝ અને ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ પોસ્ટ પર સામંથા રુથ પ્રભુ, જન્નત ઝુબૈર, મુક્તિ મોહન, મહિમા મકવાણા, જસ્સી ગિલ, હાર્ડી સંધુ, અપારશક્તિ ખુરાના અને નેહા શર્મા જેવી સેલિબ્રિટીઓએ શુભેચ્છા આપી છે.
રિપોર્ટ પ્રમાણે ધરલ આર્કિટેક્ટ, આર્ટિસ્ટ અને ડિઝાઇનર છે. બન્ને ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને આખરે તેમણે લગ્ન કરી લેવાનો નિર્ણય લીધો હતો. જોકે દર્શને ક્યારેય જાહેરમાં પોતાના આ સંબંધની હિન્ટ નહોતી આપી અને આ કારણે જ તેણે એકાએક લગ્નનાં પિક્ચર્સ શૅર કરતાં તેની લાખો ફીમેલ ફૅન્સનાં દિલ તૂટી ગયાં હતાં અને તેમણે સોશ્યલ મીડિયામાં પોતાની લાગણી વ્યક્ત કરી છે.
૩૦ વર્ષનો દર્શન સિંગર, કમ્પોઝર અને સૉન્ગ-રાઇટર પણ છે. તેણે હિન્દી, ગુજરાતી, પંજાબી અને બંગાળી ભાષામાં કામ કર્યું છે. તે ૨૦૧૪માં સ્ટાર પ્લસના રિયલિટી શો ‘ઇન્ડિયાઝ રૉક સ્ટાર’નો રનર-અપ રહ્યો છે. ‘પ્રેમ રતન ધન પાયો’, ‘સનમ તેરી કસમ’, ‘લવ આજકલ’, ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી ફિલ્મોનાં ગીતોમાં તેનું પ્રદાન છે. તેનાં આલબમ પણ હિટ રહ્યાં છે.