23 April, 2023 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકીની અને તેની પત્ની આલિયા સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ જણાવ્યું કે કોર્ટે અમને સાથે બેસીને પારિવારિક વિવાદ ઉકેલવાની સલાહ આપી છે. બન્નેનો ઝઘડો આજે જાહેર થઈ ગયો છે. લગ્નજીવન દરમ્યાન તેમને ૧૨ વર્ષની દીકરી અને ૭ વર્ષનો દીકરો છે. કોર્ટે આલિયાને તેનાં બન્ને બાળકો સાથે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન મોકલ્યું હતું. બાળકો માટે આ બન્ને કપલને વિવાદ મટાડવાની સલાહ આપી છે. એ વિશે આલિયા સિદ્દીકીએ કહ્યું કે ‘કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટે નવાઝને કહ્યું છે કે તમે પરસ્પર ચર્ચા કરીને આ મામલાનો ઉકેલ લાવો. જેકાંઈ પણ ફેંસલો લો એ પરસ્પર સમજૂતીથી લો. જાહેરમાં મારું આવવાનું કારણ એટલું જ છે કે મારી અંદર રહેલો બળાપો મને તકલીફ આપી રહ્યો હતો. જોકે મને એ વાતની ખુશી છે કે એ બળાપો બહાર આવી ગયો. આ બધું મેં જાહેર કર્યું એનો મને જરાય અફસોસ નથી. મને એ વાતનું દુ:ખ છે કે અમારાં બાળકોએ વેઠવાનું આવે છે. બાળકો પર વીતે છે ત્યારે જાહેરમાં બોલવું અગત્યનું બની જાય છે. સ્થિતિ ખૂબ બગડી ગઈ હતી. લોકો જાણે છે કે ઇન્ડસ્ટ્રી ઊગતા સૂરજને નમે છે. એથી જો કોઈ મારો પક્ષ લે કે મને સપોર્ટ પણ કરે તો મને એનાથી કોઈ ફરક નથી પડતો. હું કોઈના પર આંગળી ન ચીંધી શકું. મને કોઈ પાસે કશી અપેક્ષા નથી, કેમ કે મારે જાતે જ મારાં બાળકોનો ઉછેર કરવાનો છે, તેમની કાળજી લેવાની છે, મારી લડાઈ લડવાની છે અને આ બધું મારે એકલીએ જ કરવાનું છે એટલે હું કોઈના પર પણ મદદ કે સપોર્ટ માટે આધાર રાખતી નથી.’