13 April, 2021 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિપુલ અમૃતલાલ શાહ
વિપુલ અમૃતલાલ શાહનું કહેવું છે કે ‘કમાન્ડો 4’ તેઓ આ ફ્રેન્ચૅઇઝીને એક અલગ ઊંચાઈએ લઈ જશે. તેમની ‘કમાન્ડો’ને આઠ વર્ષ થયાં છે જેમાં વિદ્યુત જામવાલ, પૂજા ચોપડા અને જયદીપ અહલાવતે કામ કર્યું હતું. આ સિરીઝમાં ત્રણ ફિલ્મ બની છે અને પહેલા પાર્ટને આઠ વર્ષ થયાં હોવાથી એની આગામી ફ્રૅન્ચાઇઝીની જાહેરાત કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં વિપુલ અમૃતલાલ શાહે કહ્યું હતું કે ‘મેં જ્યારે વિદ્યુતની ઑડિશનની ટેપ પહેલી વાર જોઈ હતી ત્યારે અમે ‘ફોર્સ’ માટે વિલનની શોધ કરી રહ્યા હતા. મેં જ્યારે ટેપ જોઈ ત્યારે તેને વિલન તરીકે નક્કી કરી દીધો હતો, પરંતુ અંતે અમે તેને ‘કમાન્ડો’ દ્વારા ઍક્શન હીરો તરીકે પસંદ કર્યો હતો; કારણ કે તે ખૂબ જ ટૅલન્ટેડ હતો. ત્યારથી અમારી જર્ની ખૂબ જ અદ્ભુત રહી છે. ‘કમાન્ડો’ અમારા માટે ખૂબ જ ચૅલેન્જિંગ હતી, કારણ કે એ એક ઍક્શન ફિલ્મ હતી અને એ માટે બજેટ ખૂબ જ જોઈએ છે. અમે હિમાચલ પ્રદેશનાં જંગલોમાં શૂટિંગ કરવા માગતા હતા. આ ફિલ્મ ખૂબ જ મુશ્કેલ હતી. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ પાર્ટનર બન્યું એ પહેલાં એક વર્ષથી હું આ ફિલ્મ પર કામ કરી રહ્યો હતો. ત્યાર બાદ અમે ત્રણ ફિલ્મ બનાવવું નક્કી કર્યું હતું અને હવે અમે ચોથી ફિલ્મ લઈને પણ આવી રહ્યા છીએ. પ્રીતિ સાહની અને શિબાશિષ સરકારના કારણે આ શક્ય બન્યું છે. અમારા માટે આ ખૂબ જ અદ્ભુત ટીમ વર્ક હતું. અમે ‘કમાન્ડો 4’ દ્વારા આ ફ્રૅન્ચાઇઝીને એક અલગ ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ.’