midday

DDLJ મ્યૂઝિકલનું UKમાં થશે પ્રીમિયર: જાણો બૉલિવૂડની આ આયકૉનિક ફિલ્મ વિશે રસપ્રદ વાતો

10 March, 2025 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Interesting facts about DDLJ: બૉલિવૂડની સૌથી પ્રખ્યાત ફિલ્મ DDLJનું મ્યુઝિકલ UKમાં 29 મેના રોજ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. જાણો આઈકૉનિક ફિલ્મ ડીડીએલજે વિશે કેટલીક અનોખી અને અજાણી વાતો!
ડીડીએલજે મ્યુઝિકલ UKમાં પ્રીમિયર માટે તૈયાર

ડીડીએલજે મ્યુઝિકલ UKમાં પ્રીમિયર માટે તૈયાર

‘કમ ફૉલ ઇન લવ - ધ ડીડીએલજે (DDLJ) મ્યુઝિકલ’ યૂકેના મેન્ચેસ્ટર ઓપેરા હાઉસમાં 29 મેના રોજ પ્રીમિયર થશે!

બૉલિવૂડની સૌથી પ્રખ્યાત ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)નું મ્યુઝિકલ રજૂ થવા જઈ રહ્યું છે. યશરાજ ફિલ્મ્સ અને આદિત્ય ચોપડા દ્વારા નિર્મિત ‘Come Fall in Love – The DDLJ Musical’ યૂનાઇટેડ કિંગડમના મેન્ચેસ્ટર ઓપેરા હાઉસમાં 29 મે 2025ના રોજ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

1995માં રિલીઝ થયેલી DDLJ માત્ર એક હિટ ફિલ્મ નહીં પણ એક પેઢી માટે પ્રેમ અને રોમેન્સનો પર્યાય બની ગઈ. ફિલ્મના દ્રશ્યો, સંવાદો અને ગીતો આજે પણ તાજાં લાગે છે. પણ આ ફિલ્મ વિશે કેટલાક એવા રસપ્રદ તથ્યો છે, જે તમે કદાચ નહીં જાણતા હો. ચાલો, જાણીએ DDLJ સાથે જોડાયેલી કેટલીક અનોખી અને અજાણી વાતો!

સૈફ અલી ખાન હતો પહેલી પસંદ:
ફિલ્મના મુખ્ય અભિનેતા એટલે કે ‘રાજ’ની ભૂમિકા માટે સૈફ અલી ખાનને પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. ત્યારબાદ શાહરુખ ખાનનું ઑડિશન લેવામાં આવ્યું અને પછી જે થયું તે ઇતિહાસ રચાયું!

રાજની ભૂમિકા માટે ટૉમ ક્રૂઝની હતી કલ્પના
આદિત્ય ચોપડાએ શરૂઆતમાં ‘રાજ’ની ભૂમિકા માટે ટૉમ ક્રૂઝ જેવા હૉલીવુડ એક્ટર વિશે વિચાર્યું હતું, પરંતુ યશ ચોપડાએ તેમને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અભિનેતા પસંદ કરવાની સલાહ આપી.

‘પલટ… પલટ… પલટ’ દ્રશ્યની પ્રેરણા:
આ પ્રસિદ્ધ દ્રશ્ય હૉલીવુડની 1993ની ફિલ્મ ‘In the Line of Fire’માં ક્લિંટ ઈસ્ટવુડ અને રેને રુસો પર ફિલ્માવવામાં આવેલા દ્રશ્યથી પ્રેરિત હતું. આ દ્રશ્ય એટલું પ્રભાવશાળી હતું કે તેણે ડીડીએલજેમાં એક યાદગાર ક્ષણ તરીકે સ્થાન મેળવી લીધું.

ફિલ્મનું શીર્ષક કોણે સૂચવ્યું?
‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ નામ, કિરણ ખેરે સૂચવ્યું હતું, જે 1974ના પ્રખ્યાત ગીત ‘લે જાએંગે, લે જાએંગે’ પરથી પ્રેરિત હતું. આ શીર્ષક ફિલ્મના રોમેન્ટિક અને પ્રભાવશાળી સ્વભાવને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે, જે આજે પણ લોકોના હૃદયમાં વસેલું છે.

કાજોલની ચોંકાઇ જતી પ્રતિક્રિયા રિયલ હતી!
‘રૂક જા ઓ દિલ દિવાને’ ગીતમાં એક દ્રશ્ય દરમિયાન શાહરુખ ખાન અચાનક કાજોલને નચાવી દે છે. કાજોલને આ અંગે કોઈ જાણ નહોતી અને તેથી તેની ચોંકાઈ જવાની જે પ્રતિક્રિયા હતી તે 100 ટકા રિયલ અને સ્વાભાવિક હતી. આ દ્રશ્ય આજે પણ ફિલ્મના સૌથી યાદગાર ક્ષણોમાંનું એક છે.

કબૂતરવાળું દ્રશ્ય પણ હતું અનપ્લાન્ડ
ફિલ્મમાં રાજ અને સિમરન કબૂતરને ખવડાવતા હોય એવું એક દ્રશ્ય છે, જે દર્શકોને ખૂબ ગમ્યું હતું. આશ્ચર્યજનક રીતે, આ દ્રશ્ય સ્ક્રિપ્ટનો ભાગ નહોતો અને શૂટિંગ દરમિયાન સ્વાભાવિક રીતે બની ગયો. આ અનાયાસ ક્ષણ આજે પણ DDLJના સૌથી પ્રખ્યાત દ્રશ્યોમાં સ્થાન ધરાવે છે.

‘સેનોરિટા, બડે બડે દેશો મેં...’ આ વાક્ય અમેરિકન પ્રેસિડેન્ટે પણ કહ્યું!
2015માં ભારતની મુલાકાત દરમિયાન અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ DDLJનું પ્રખ્યાત વાક્ય "સેનોરિટા, બડે બડે દેશો મેં..." કહ્યું હતું. તેમના ભાષણ દરમિયાન આ સંદર્ભ સાંભળીને ભારતીય દર્શકો ખુશ થઈ ગયા હતા. આ ઘટનાએ સાબિત કર્યું કે DDLJ માત્ર એક ફિલ્મ નથી, તે એક સંસ્કૃતિ બની ચૂકી છે.

DDLJ = મીમ ગોલ્ડ!
DDLJના ડાયલૉગ્સ અને દ્રશ્યો વર્ષોથી મીમ કલ્ચરનો ભાગ બન્યા છે. COVID-19ના સમયમાં મીમ્સથી લઈને મંત્રી પીયૂષ ગોયલના ‘ચાલતી ટ્રેનમાં ન ચઢો’ના ટ્વીટ સુધી, ફિલ્મ હજી પણ પ્રાસંગિક છે. ‘જા સિમરન જા’ અને ‘બડે બડે દેશો મેં...’ જેવા વાક્યો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

આદિત્ય ચોપડા = ઓરિજિનલ બેકસીટ ડિરેક્ટર!
ફિલ્મના એક દ્રશ્યમાં જ્યારે શાહરુખ અને કાજોલ ઝ્યુરિચમાં ડ્રાઇવ કરે છે, ત્યારે આ દ્રશ્યનું દિગ્દર્શન આદિત્ય ચોપડાએ કારની પાછળની સીટ પર બેસીને કર્યું હતું. તેમણે પાછળ બેસીને દરેક શૉટ પર નજર રાખી અને નિર્દેશ આપ્યા. તે માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં, પણ એક પરફેક્શનિસ્ટ ડિરેક્ટર છે.

‘કમ ફૉલ ઇન લવ - ધ DDLJ મ્યુઝિકલ’ના પ્રીમિયર માટે ચાહકોની ઉત્સુકતા શીખરે છે! DDLJના જાદૂને નવો અવતાર આપતા ‘Come Fall in Love – The DDLJ Musical’નું પ્રીમિયર 29 મે 2025ના રોજ મૅન્ચેસ્ટર ઓપેરા હાઉસ, UKમાં થવા જઈ રહ્યું છે. ચાહકો માટે આ મ્યુઝિકલ એક અનોખો અનુભવ હશે. DDLJના જાદુને નવો અવતાર આપતાં આ મ્યુઝિકલ માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Shah Rukh Khan kajol dilwale dulhania le jayenge aditya chopra yash raj films piyush goyal kirron kher barack obama united kingdom bollywood buzz bollywood news bollywood events bollywood entertainment news