03 November, 2022 02:21 PM IST | Itanagar | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન અને અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ મુજબ ‘ભેડિયા’નું શૂટિંગ તેમના રાજ્યમાં થવાથી અન્ય ફિલ્મોનું શૂટિંગ પણ આ રાજ્યમાં થાય એવી શક્યતા છે. વરુણ ધવન અને ક્રિતી સૅનનની આ ફિલ્મનું આખું શૂટિંગ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્યના સ્થાનિક કલાકારોને પણ આ ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ મળ્યો છે. આ ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યુસ અને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. ફિલ્મનું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ કૅપ્શન આપી હતી, ‘કૉમેડી-હૉરર બૉલીવુડ ફિલ્મ ‘ભેડિયા’નું આખું શૂટિંગ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું છે. ફિલ્મ પચીસ નવેમ્બરે રિલીઝ થવાની છે. ઝીરો, સગલી અને પક્કે-કેસાંગનાં કુદરતી દૃશ્યોથી સભર અમારા રાજ્યની સુંદરતા અને પરંપરા તમને એ ફિલ્મમાં જોવા મળશે. મને પૂરી ખાતરી છે કે અરુણાચલ હવે ફિલ્મોના શૂટિંગ માટે ફિલ્મમેકર્સનું ફેવરિટ ડેસ્ટિનેશન બનવાનું છે. હું પ્રોડ્યુસર દિનેશ વિજનજી અને ડિરેક્ટર અમર કૌશિકજીનો ખૂબ આભાર માનુ છું કે તેમણે ફિલ્મના શૂટિંગ માટે અમારા સુંદર રાજ્યની પસંદગી કરી. સાથે જ તેમણે સ્થાનિક ટૅલન્ટ જેવા કે મ્યુઝિશ્યન્સ અને ટેક્નિશ્યન્સને ચાન્સ આપ્યો. ‘ભેડિયા’ના લગભગ ૭૦ ટકા કલાકારો અમારા રાજ્યના છે અને એમાં લીડ કૅરૅક્ટર ભજવનાર જોમીન પણ સામેલ છે. આ ફિલ્મ નૉર્થ-ઈસ્ટને એક નવી ઓળખ આપશે. ‘ભેડિયા’ને પારાવાર સફળતા મળે એવી કામના કરું છું.’