11 February, 2024 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિથુન ચક્રવર્તી
મિથુન ચક્રવર્તી કલકત્તામાં ગઈ કાલે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા એ વખતે સવારે તેઓ અસ્વસ્થ થવા માંડ્યા હતા. તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો, એથી સેટ પર હાજર લોકો તેમને તરત હૉસ્પિટલ લઈ ગયા હતા. તેમની સારવાર ચાલી રહી છે. આ વાતની જાણ તેમના ફૅન્સને થતાં તેઓ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે તેમના દીકરા મહાક્ષય ચક્રવર્તીએ જણાવ્યું કે ગભરાવા જેવું કાંઈ નથી. ગઈ કાલે દિવસભર તેમના સ્વાસ્થ્યને લઈને લોકોમાં ચિંતા હતી, એથી વિવિધ અટકળો પર વિરામ લગાવતાં મહાક્ષયે કહ્યું કે ‘તેમના રૂટીન ચેકઅપ માટે તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓ એકદમ સ્વસ્થ છે.’
જોકે બીજી તરફ હૉસ્પિટલ પ્રશાસન કહે છે કે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. હૉસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે ૭૩ વર્ષના મિથુન ચક્રવર્તી, નૅશનલ અવૉર્ડ વિજેતા ઍક્ટરને કલકત્તાની મલ્ટિસ્પેશ્યલિટી અપોલો હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં સવારે ૯.૪૦ વાગ્યે લાવવામાં આવ્યા હતા, એથી તેમના બ્રેઇનના એમઆરઆઇ સાથે જરૂરી લૅબોરેટરી અને રેડિયોલૉજી ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવ્યાં હતાં. તેમને બ્રેઇનનું ઇશેમિક સેરેબ્રોવૅસ્ક્યુલર ઍક્સિડન્ટનું એક પ્રકારના સ્ટ્રોકનું નિદાન કરવામાં આવ્યું છે. હાલમાં તેઓ સભાન છે અને હળવો ખોરાક લઈ રહ્યા છે. ડૉક્ટરની ટીમ જેમ કે ન્યુરોફિઝિશ્યન, કાર્ડિયોલૉજિસ્ટ અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ તેમની દેખરેખ રાખી રહ્યા છે.’