17 January, 2025 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનાં પોસ્ટર
આજે કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ અને અજય દેવગનની ‘આઝાદ’ રિલીઝ થઈ છે. આ ફિલ્મો રિલીઝના પહેલા જ દિવસે થિયેટર અને મલ્ટિપ્લેક્સમાં માત્ર ૯૯ રૂપિયામાં જોવાનો ચાન્સ મળી રહ્યો છે. હકીકતમાં ફિલ્મોમાં દર્શકોનો રસ વધારવા માટે તેમ જ બૉક્સ-ઑફિસ કલેક્શનને વધારે મજબૂત બનાવવા માટે ૨૦૨૫નો પહેલો ‘સિનેમા લવર્સ ડે’ આજે ૧૭ જાન્યુઆરીએ રાખવામાં આવ્યો છે અને આ ઉજવણીના ભાગરૂપે આ ફિલ્મોની ટિકિટ ૯૯ રૂપિયામાં મળશે.
શું છે ઇમર્જન્સીની સ્ટોરી ?
કંગના રનૌતે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરેલી ‘ઇમર્જન્સી’માં ૧૯૭૫થી ૧૯૭૭ દરમ્યાન ૨૧ મહિના સુધી દેશમાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમર્જન્સી દરમ્યાનનો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં આ સમયગાળા દરમિયાન બનેલી સાચી ઘટનાઓને વણી લેવામાં આવી છે. આ ફિલ્મમાં કંગનાએ પોતે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ ભજવી રહી છે. આ ફિલ્મમાં દિવંગત સતીશ કૌશિકનો પણ મહત્ત્વનો રોલ છે. ‘ઇમર્જન્સી’માં જયપ્રકાશ નારાયણ તરીકે અનુપમ ખેર, યુવાન અટલ બિહારી વાજપેયી તરીકે શ્રેયસ તલપડે, ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ તરીકે મિલિંદ સોમણ, પુપુલ જયકર તરીકે મહિમા ચૌધરી અને જગજીવન રામ તરીકે સતીશ કૌશિક જોવા મળશે.
શું છે આઝાદની સ્ટોરી?
રવીના ટંડનની દીકરી રાશા થડાણી અને અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની પહેલી ફિલ્મ ‘આઝાદ’ એ આઝાદી પહેલાના સમયગાળામાં આકાર લે છે. આ ફિલ્મની વાર્તા મિત્રતા અને વફાદારીની વાર્તા છે. આ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં ઘોડાની વફાદારી અને ડાકુઓની બહાદુરી છે. ફિલ્મનું શીર્ષક આઝાદ નામના અશ્વ પરથી રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં ઍક્શન અને ડ્રામાનો ભરપૂર ડોઝ છે. ફિલ્મમાં રાશા અને અમન સિવાય અજય દેવગન, મોહિત મલિક, પીયૂષ મિશ્રા અને ડાયના પેન્ટી મહત્ત્વના રોલમાં છે.