દિનેશ ફડણીસ અમારી સ્ટ્રેંગ્થ હતો : આદિત્ય શ્રીવાસ્તવ

06 December, 2023 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની સાથે પસાર કરેલા સમયને યાદ કરીને ઇમોશનલ થઈ ‘CID’ની ટીમ

દિનેશ ફડનીસ

દિનેશ ફડણીસનું થયું મૃત્યુ

સીઆઇડી’માં જોવા મળેલા દિનેશ ફડણીસનું ૫૭ વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. તે આ શોમાં ફ્રેડરિક્સની ભૂમિકામાં હતો. ટીવી ઇન્ડસ્ટ્રીમાં આ સૌથી વધુ સમય માટે ચાલેલો શો છે. તેનું મૃત્યુ મુંબઈમાં થયું છે અને તે થોડા દિવસથી વેન્ટિલેટર પર હતો. લિવર ડૅમેજ થઈ ગયું હોવાથી તેને પહેલી ડિસેમ્બરે મુંબઈની તુંગા હૉસ્પિટલમાં ઍડ્‍‍મિટ કરવામાં આવ્યો હતો. તેને હાર્ટ-અટૅક આવ્યો હોવાની પણ વાતો ચાલી હતી, પરંતુ ઍક્ટર દયાનંદ શેટ્ટીએ અફવાને ઉડાવી દીધી હતી. દયાનંદ શેટ્ટીએ એ વાતની જાણકારી આપી હતી કે તેનું મૃત્યુ સોમવાર બાદ મધરાતે થયું હતું. તેના અંતિમ સંસ્કાર દોલતનગર સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા.

‘CID’માં ફ્રેડરિક્સનો રોલ કરનાર દિનેશ ફડણીસના અચાનક નિધનથી સૌકોઈ ચોંકી ગયા છે. તેને યાદ કરીને આ સિરિયલની ટીમ ભાવુક થઈ છે. તેની વય ૫૭ વર્ષ હતી. સૌને તેનો પ્રેમાળ અને મજાકિયો સ્વભાવ યાદ આવી રહ્યો છે. ‘CID’માં સિનિયર ઇન્સ્પેક્ટર અભિજિતનો રોલ કરનાર આદિત્ય શ્રીવાસ્તવે કહ્યું કે ‘રાતે ૧૨.૦૮ વાગ્યે તેનું અવસાન થયું છે. તેને દવાનું રીઍક્શન થયું હતું, એને કારણે તેને લિવરમાં તકલીફ થઈ અને બાદમાં મલ્ટિપલ ઑર્ગન ફેલ્યર થયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી તે હૉસ્પિટલમાં ઍડ્મિટ હતો અને ગઈ કાલે તેનું અવસાન થયું. અમારો સંબંધ ખૂબ જૂનો હતો. અમે એક ​પરિવાર સમાન હતા. શો માટે અમે વીસ વર્ષથી સાથે હતા. અમે અલગ-અલગ પ્રસંગે મળતા હતા. ઑન-સ્ક્રીન તે જેવો છે તેવો જ રિયલ લાઇફમાં પણ હતો. ખૂબ ઝિંદાદિલ હતો. તે હસમુખ, કાળજી લેનારો અને એક સારો ફ્રેન્ડ હતો. અમે હજી પણ શૉકમાં છીએ. અમે સાથે ઘણો સમય પસાર કરતા હતા. એક ટીમ લાંબા સમય સુધી ત્યારે જ આગળ વધી શકે જ્યારે લોકોના પરસ્પર વિચાર મળતા હોય અને બધું સરસ રીતે પાર પડતું હોય. તે સ્ટ્રેંગ્થનો આધારસ્તંભ હતો. કોઈ પણ સ્થિતિમાં સાથ આપનાર વ્યક્તિ હતો. તે આખો દિવસ અમને હસાવતો હતો, જોક્સ સંભળાવતો હતો.’

બીજી તરફ ‘CID’માં ઇન્સ્પેક્ટર સચિનના રોલમાં જોવા મળેલા હૃષીકેશ પાન્ડેએ પણ દિનેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. દિનેશ ફડણીસને યાદ કરતાં હૃષીકેશે કહ્યું કે ‘અનેક લોકો એમ કહેતા હતા કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે અને એને કારણે તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. એવું જરા પણ નહોતું. અમે જ્યારે શૂટિંગ કરતા હતા ત્યારે તેને હાર્ટ પ્રૉબ્લેમ હતો. એમાંથી તો તે બહાર આ‍વી ગયો હતો. કોવિડ બાદ ઘણુંબધું બદલાઈ ગયું છે. તેનાં લિવર અને કિડની પર અસર થઈ હતી. સ્થિતિ ખરાબ થતી ગઈ. તેની તબિયત બગડતી ગઈ. થોડા મહિનાઓ માટે તેની સાથે આવું બધું થયું હતું. તે વેન્ટિલેટર પર હતો. તેને હાર્ટ-અટૅક નહોતો આવ્યો. અમે ઊંઘી શક્યા નથી. તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મારા બધા ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. એના પરથી અંદાજ આવે છે કે લોકો સાથે તેના સંબંધો ઘણા સારા હતા અને દરેક જણ તેની કાળજી લેતું હતું. અમે બધા એક પરિવાર જેવા છીએ. હું એટલું જરૂર કહીશ કે મેં એક ફૅમિલી મેમ્બર ગુમાવ્યો છે. અમે ઘણાં વર્ષો સાથે પસાર કર્યાં છે. અમે સાથે જમતા હતા. એથી અમે જે પ્રકારે સમય પસાર કર્યો હતો એ તો ફૅમિલી કરતાં પણ વિશેષ છે. ‘CID’ બાદ પણ અમે એકબીજાના સંપર્કમાં હતા. અમે એકબીજાના ઘરે પણ જતા હતા. એથી અતિશય દુ:ખ થાય છે કે એક વ્યક્તિ હવે આપણી સાથે નથી. જોકે અમારી સાથે તેની ઘણી સુંદર યાદો જોડાયેલી છે.’
‘CID’માં ડૉક્ટર તારિકાના રોલમાં જોવા મળેલી શ્રદ્ધા મુસળે દિનેશને દિલનો સાફ વ્યક્તિ જણાવ્યો છે. તેની સાથેની જૂની વાતો યાદ કરીને શ્રદ્ધા મુસળે કહ્યું કે ‘અમે સૌ જાણતાં હતાં કે તેની તબિયત નથી સારી, તેને લિવર અને હાર્ટની થોડી તકલીફ છે. પરંતુ તેનું અવસાન થવાથી અમને ઘણું દુ:ખ થયું છે. છેલ્લા છ મહિનાથી તેની તબિયત બગડી છે. એથી અમે જાણતાં હતાં કે તેની હેલ્થ સારી નથી. જોકે ૩-૪ દિવસથી તેની તબિયત બગડી છે. તે હૉસ્પિટલમાં ઍડ્મિટ હતો, પરંતુ સ્વસ્થ હતો. જોકે અચાનક લિવર અને કિડનીની સાથે હાર્ટ પર અસર શરૂ થઈ હતી. બાદમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો. આમ છતાં અમને આશા હતી. ડાયાલિસિસ ચાલુ હતું, પરંતુ તે બચી શક્યો નહીં. અમે હંમેશાં મળતાં હતાં. છેલ્લાં થોડાં ગેટ-ટુગેધરમાં તે નહોતો આવ્યો. તેણે જણાવ્યું કે તેની તબિયત નથી સારી. ફોન પર અમે સતત વાત કરતાં હતાં. ‘CID’ના જૂના ઑફિસર્સ અને દરેક જણ તેને પ્રેમ કરતા હતા. આજના સમયમાં તે ખૂબ પ્રેમાળ વ્યક્તિ હતો. તે દિલનો પણ સાફ હતો. આવા લોકો ભાગ્યે જ મળે છે.’

શ્રદ્ધા અને દિનેશ મરાઠી હોવાથી મરાઠીમાં વાત કરતાં હતાં. તેની સાથેની વાતોને મિસ કરતાં શ્રદ્ધાએ કહ્યું કે ‘અમે બન્ને મરાઠીમાં વાતો કરતાં હતાં. મરાઠી ભાષા અમને નજીક લઈ આવી હતી. તે ઘરેથી ટિફિન લઈ આવતો હતો. સેટ પર અમારું કનેક્શન દિલનું હતું. શોના અન્ય કલાકારો સાથે પણ સારો સંબંધ હતો. જોકે દિનેશજી સાથે તો ખાસ સંબંધ હતો અને એ ખૂબ વિશેષ હતું. તેની સાથેની વાતચીતને હું મિસ કરું છું. ઑફ સેટ તે બ્લૅક ટી-શર્ટ પહેરતો હતો. હું તેને આજે તેની એ જગ્યા પર જોઈ શકું છું, તે કામ કરી રહ્યો છે અને વાત કરી રહ્યો છે.’

cid bollywood news entertainment news