23 January, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલાં હૈદરાબાદ ઍરપોર્ટ પર વ્હીલચૅરમાં જોવા મળી અને પછી મુંબઈ પહોંચીને ઇવેન્ટના સ્થળે સ્ટેજ પર એક પગે પહોંચી, જ્યાં તેના માટે વિકી કૌશલ મદદગાર બન્યો હતો.
રશ્મિકા મંદાના થોડા દિવસ પહેલાં જિમમાં વર્કઆઉટ કરતી વખતે ઘાયલ થઈ હતી અને તેને આરામ કરવાની સલાહ અપાઈ હતી. એ સમયે રશ્મિકાએ શૂટિંગમાં થયેલા વિલંબ બદલ તેની ફિલ્મોના મેકર્સની માફી પણ માગી લીધી હતી. હવે રશ્મિકા મંદાનાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેને હૈદરાબાદ ઍરપોર્ટ પર ચાલવામાં તકલીફ પડતાં તે વ્હીલચૅરમાં બેસેલી જોવા મળી હતી. આ રીતે સંઘર્ષ કરીને રશ્મિકા પોતાની ફિલ્મ ‘છાવા’ના ટ્રેલર-લૉન્ચમાં મુંબઈ પહોંચી હતી. ઈજાગ્રસ્ત હોવા છતાં રશ્મિકાએ પોતાના કામ પ્રત્યે સમર્પણ દર્શાવ્યું હતું અને ટ્રેલર-લૉન્ચમાં જે રીતે હાજરી આપી એનાથી ચાહકો પ્રભાવિત થયા હતા.
રશ્મિકા આ રીતે ફિલ્મના ટ્રેલર-લૉન્ચમાં તો પહોંચી ગઈ, પણ ત્યાં તેને સ્ટેજ પર ચડવામાં બહુ મુશ્કેલી પડી હતી. જોકે એ સમયે વિકી કૌશલે તેની ઘણી કાળજી લીધી હતી. તે રશ્મિકાનો હાથ પકડીને સ્ટેજ પર લઈ ગયો હતો અને પછી તેને પોતાની જગ્યાએ બેસવામાં પણ મદદ કરી હતી.
છાવાના ટ્રેલર-લૉન્ચમાં પ્લાઝા થિયેટરમાં ગુઢીપાડવા જેવો માહોલ: ગઈ કાલે દાદરના પ્લાઝા થિયેટરમાં ફિલ્મ ‘છાવા’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ગુઢીપાડવામાં જોવા મળે છે એવી બાઇકર મહિલાઓને પણ આ ઇવેન્ટમાં સામેલ કરવામાં આવી હતી.
‘છાવા’ની વાત કરીએ તો આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આમાં રશ્મિકા મહારાણી યેસુબાઈના પાત્રમાં છે, જ્યારે વિકી છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગઝેબના રોલમાં છે.