09 February, 2024 06:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્મા
ઍક્ટર અને કૉમેડિયન કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાની છેતરપિંડીનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સામે ખુલાસો કર્યો છે. દિલીપ છાબરિયા કસ્ટમાઇઝ્ડ વૅનિટી વૅન ડિઝાઇન કરવા માટે જાણીતો છે અને તેણે અનેક સેલિબ્રિટીઝ સાથે છેતરપિંડી કરી છે. તેમની પાસેથી કરોડો રૂપિયા લઈને બેસી જાય છે અને કારની ડિલિવરી નથી કરતો. કપિલ શર્માએ ૨૦૧૬ના ડિસેમ્બરમાં દિલીપ છાબરિયા પાસેથી વૅનિટી વૅન લેવા અપ્રોચ કર્યો હતો. ૨૦૧૭ના માર્ચમાં સાડાચાર કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કપિલના પ્રોડક્શન હાઉસ K9 પ્રોડક્શન્સ અને દિલીપ છાબરિયા ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે થયો હતો. કૉન્ટ્રૅક્ટની શરત પ્રમાણે ટૅક્સ સહિત ૫.૩૧ કરોડ રૂપિયા દિલીપ છાબરિયાને ચૂકવવામાં આવ્યા હતા. આમ છતાં તેણે ન તો વૅનિટી વૅન આપી અને ન તો પૈસા પાછા આપ્યા એટલું જ નહીં, તેના તરફથી ગેરકાયદે વધુ પૈસાની માગણી થવા લાગી હતી. મની લૉન્ડરિંગ કેસમાં દિલીપ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સાથે જ આ કેસમાં દિલીપની સાથે અન્ય છ આરોપીઓ પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.