16 September, 2022 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘થેન્ક ગોડ’નું પોસ્ટર
બૉલિવૂડ માટે જાણે અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવું લાગે છે. તાજેતરમાં રિલીઝ થયેલી દરેક ફિલ્મ યુઝર્સ બૉયકૉટ કરી રહ્યાં છે. ફિલ્મ રિલીઝની ડેટ જાહેર થાય કે સાથે તરત જ બૉયકૉટનો ટ્રેન્ડ શરુ થઈ જાય છે. બૉયકૉટ ટ્રેન્ડમાં વધુ એક ફિલ્મનું નામ સામેલ થઇ ગયું છે. તાજેતરમાં અજય દેવગન (Ajay Devgn), સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) સ્ટારર ફિલ્મ ‘થેન્ક ગોડ’ (Thank God)નું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલર રિલીઝના થોડાક જ સમયમાં ફિલ્મને બૉયકૉટ કરવાનો ટ્રેન્ડ શરુ થઈ ગયો છે.
‘થેન્ક ગોડ’ ૨૫ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે. ઈન્દ્ર કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર જે દિવસે રિલીઝ થયું, તે જ દિવસથી ફિલ્મનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ટ્વિટર પર #Boycott_ThankGodMovie હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે. યુઝર્સનો આરોપ છે કે, ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવામાં આવ્યું છે.
ટ્રેલર જોયા બાદ ફિલ્મની વાર્તાનો અંદાજ લગાવવો ખૂબ જ સરળ હતો. વાર્તા એક સામાન્ય માણસ અને ચિત્રગુપ્તની આસપાસ ફરે છે. ‘થેન્ક ગોડ’ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. જે માણસ અને ભગવાન વચ્ચેની રમુજી વાર્તા કહે છે. ટ્રેલર ઘણું ફની છે પરંતુ હવે લોકો આ ફિલ્મ પર પણ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રાનું કાર અકસ્માતમાં મૃત્યુ થાય છે અને જ્યારે તે આંખ ખોલે છે ત્યારે તેની સામે યમરાજ અને ચિત્રગુપ્ત હોય છે. બસ અહીં એક સીન છે કે, ચિત્રગુપ્ત એટલે કે અજય દેવગનની આસપાસ ઘણી બધી છોકરીઓ છે, જેઓ ટૂંકા કપડા પહેરે છે. આ જોઈને યુઝર્સનો પારો ઊંચો થઈ ગયો હતો.
ટ્વિટર યુઝર્સ સવાલ પૂછી રહ્યાં છે કે, ‘બૉલિવૂડની ફિલ્મોમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરીને ક્યાં સુધી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવશે! શું તમે જાણો છો કે ચિત્રગુપ્તને બ્રહ્માંડના પ્રથમ અકાઉન્ટન્ટ કહેવામાં આવે છે. તેઓ પરમ પિતા બ્રહ્માના ૧૭મા પુત્ર છે અને કાયસ્થ કુળના પ્રમુખ દેવતા માનવામાં આવે છે.’
યુઝર્સ અજય દેવગનને ભગવાન ચિત્રગુપ્તના રોલમાં બતાવવા સામે વાંધો ઉઠાવી રહ્યા છે.
અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘થેન્ક ગોડ’ ૨૫ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે.