21 November, 2023 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બમન ઈરાની
બમન ઈરાનીનું કહેવું છે કે ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘1947 : બ્રેક્ઝિટ ઇન્ડિયા’માં લોકો સાથે થયેલી ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે જ આપણા દેશ સાથે જોડાયેલી ઇતિહાસની અગત્યની ઘટનાઓને દેખાડવામાં આવી છે. આ ફિલ્મને ગોવામાં ગઈ કાલથી શરૂ થયેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં દેખાડવામાં આવશે. ફિલ્મને સ્વર્ણજિત સિંહે પ્રોડ્યુસ કરી છે અને સંજીવન લાલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પૉલિટિશ્યન શશી થરૂર, વિલિયમ ડૅલરિમ્પલ, ઇશ્તિયાક અહમદ, ઉદય ભાસ્કર, પ્રોફેસર એમ. રાજીવલોચન, ઍલિસ્ટર હિન્ડ્સ, પ્રોફેસર ટોમ ટોમલિન્સન, ડેવિડ ઓમિસી અને ગુરહરપાલ સિંહ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ વિશે બમન ઈરાનીએ કહ્યું કે ‘એક નરેટર તરીકે ઇતિહાસને વર્ણવતા લોકોને સ્ટોરી સાથે જોડી રાખવાની જે ચૅલેન્જ છે એને હું સ્વીકારું છું. આ માત્ર એ ઘટનાઓનું પુનરાવર્તન નથી, પરંતુ લોકો સાથે થયેલી ઘટનાઓનો ચિતાર અને ઇતિહાસની મહત્ત્વની ક્ષણો છે. આ પ્રોજેક્ટ પર્સનલ મિશન બની ગયો છે. એવી અનેક સ્ટોરી કહેવામાં આવશે જેના પર આજ સુધી પડદો પડેલો છે. આખી ટીમે પૂરા સમર્પણ અને યોગદાન સાથે જે ફિલ્મ બનાવી છે એ લોકોને ભારતની આઝાદી તરફની જર્ની વિશે માહિતી આપશે.’