02 April, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુલેટપ્રૂફ બાલ્કનીમાંથી ફૅન્સનું અભિવાદન કરતો સલમાન ખાન. તેને જોવા ઘરની નીચે ભીડ એકઠી થઈ હતી અને લોકો ઝાડ પર પણ ચડી ગયા હતા. (તસવીરો : સતેજ શિંદે)
ગઈ કાલે બૉલીવુડ સ્ટાર્સે ઈદની ઉજવણી કરી હતી. સોશ્યલ મીડિયામાં ઘણા સ્ટાર્સે ઈદ ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી હતી અને તસવીરો પોસ્ટ કરી હતી. જોકે બૉલીવુડના સલમાન ખાન, આમિર ખાન, શાહરુખ ખાન અને સૈફ અલી ખાનની ઈદની ઉજવણી પર ચાહકોની નજર હતી.
સલમાનની વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાનના બાંદરામાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટની બહાર ચાહકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સલમાનની સુરક્ષાનો મુદ્દો અત્યારે સંવેદનશીલ હોવા છતાં સલમાને તેના ચાહકોને નિરાશ નહોતા કર્યા અને પોતાના ઘરની બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચની પાછળથી પોતાના ચાહકો સામે હાથ હલાવીને તેમને ઈદની શુભેચ્છા આપી હતી. સલમાને જ્યારે ચાહકોને શુભેચ્છા આપી ત્યારે તેની સાથે બહેન અર્પિતાની દીકરી આયત અને દીકરો આહિલ હાજર હતાં.
આમિર ખાને આ તહેવારની ઉજવણી પોતાની બન્ને એક્સ-વાઇફ રીના દત્તા અને કિરણ રાવ સાથે કરી હતી. તેના સેલિબ્રેશનમાં ફિલ્મમેકર રાજકુમાર સંતોષીએ પણ હાજરી આપી હતી. આમિરે ઘરની બહાર દીકરા જુનૈદ અને આઝાદ રાવ ખાન સાથે તસવીરો ક્લિક કરાવી હતી અને ફોટોગ્રાફર્સને મીઠાઈ પણ વહેંચી હતી. ઈદની ઉજવણી વખતે આમિર અને તેના દીકરાઓએ સફેદ વસ્ત્રો પરિધાન કરવાનું પસંદ કર્યું હતું.
આમિર ખાન તેના દીકરાઓ જુનૈદ અને આઝાદ સાથે.
દર વર્ષે સામાન્ય રીતે શાહરુખ ઈદના દિવસે પોતાના ફૅન્સનું અભિવાદન કરીને તેમને શુભેચ્છા આપતો હોય છે પણ મોડી સાંજ સુધી શાહરુખ જાહેરમાં નહોતો આવ્યો એને કારણે તે આ વર્ષે ફૅન્સને શુભેચ્છા આપવાની તેની પરંપરા તોડશે એવી ચર્ચા છે. હકીકતમાં શાહરુખના ઘરનું અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે અને શાહરુખ પોતાના પરિવાર સાથે મન્નતમાં નથી. આ સંજોગોમાં કદાચ સિક્યૉરિટીના કારણસર તેણે આ નિર્ણય લેવાની ફરજ પડી હશે.
સૈફ અલી ખાને ઈદની ઉજવણી પોતાના પરિવાર સાથે પરંપરાગત રીતે કરી હતી. સૈફની બહેન સોહા અલી ખાને આ સેલિબ્રેશનની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ કરી છે.