02 August, 2023 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીતિન દેસાઈ (ફાઈલ તસવીર)
જાણીતા ભારતીય આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે સવારે આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. મળતા અહેવાલો અનુસાર તેમણે કર્જત (Karjat)માં સ્થિત તેના પોતાના એનડી સ્ટુડિયોમાં લટકીને આત્મહત્યા કરી લીધી છે. એવી માહિતી છે કે તેઓ છેલ્લા ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતા.
મળતી માહિતી મુજબ તેઓએ કર્જતમાં સ્થિત પોતાના એનડી સ્ટુડિયોમાં ગળે ફાંસો લગાવી લીધો હતો. કર્જત એ મુંબઈથી 90 મિનિટના અંતરે આવેલું છે. કહેવાઈ રહ્યું છે કે 9 ઓગસ્ટે તેમનો જન્મદિવસ છે. આમ જન્મદિવસ નજીક હોવાના થોડા દિવસો પહેલા જ તેમણે જીવન ટૂંકાવ્યું છે. નીતિન દેસાઈને તેમની શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટે ચાર વાર રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમને `હમ દિલ દે ચૂકે સનમ`, `દેવદાસ`, `જોધા અકબર` અને `લગાન` જેવી કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો માટે ઉત્તમ ડિરેક્શન કર્યું હતું.
નીતિન દેસાઈએ તેમની બે દાયકાથી વધુની કારકિર્દીમાં સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali), આશુતોષ ગોવારીકર, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી સહિતના અનેક દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કામ કર્યું હતું. તેમણે 2005માં મુંબઈની બહારના વિસ્તાર કર્જતમાં પોતાનો એનડી સ્ટુડિયો ખોલ્યો હતો. 52 એકરમાં ફેલાયેલ આ સ્ટુડિયોમાં અનેક ફિલ્મના સેટ આવેલા છે. પ્રખ્યાત `જોધા અકબર`નો સેટ પણ અહીં જ આવેલો છે. માત્ર ફિલ્મો જ નહીં પરંતુ રિયાલિટી શો `બિગ બોસ`ની કેટલીક સીઝનનું શૂટિંગ પણ એનડી સ્ટુડિયોની અંદર કરવામાં આવ્યું હતું.
આર્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર એવા નીતિન દેસાઇએ ઘણા વર્ષો બાદ ફિલ્મો માટે પણ ડિરેક્શન અને પ્રોડક્શન કરવામાં ઝંપલાવ્યું હતું. તેઓએ 2003માં આવેલી ફિલ્મ `દેશ દેવી માં આશાપુરા`થી ફિલ્મ નિર્માતા તરીકેની ઓળખ મેળવી હતી. સતત તેઓએ અનેક ફિલ્મોને ડિરેક્ટ કરવાનું કામ ચાલુ રાખ્યું હતું. મરાઠી સિરિયલ `રાજા શિવછત્રપતિ` પ્રાદેશિક લોકોમાં બ્લોકબસ્ટર રહી હતી.
સૌથી લોકપ્રિય મરાઠી ગાયક અને સ્ટેજ અભિનેતા શ્રીપદ રાજહંસના જીવન પર આધારિત બાયોપિક `બાલગંધર્વ`નું નિર્માણ કરીને તેમણે મહત્વનું કાર્ય કર્યું હતું. તેઓએ કેટલીક ફિલ્મો જે કે `હેલો જય હિંદ!` (2011) અને `અજિંથા` (2012)નું પણ સફળ દિગ્દર્શન પણ કર્યું હતું.
નીતિન દેસાઈએ 1987માં ટીવી શો `તમસ`થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે વખતે તેઓ એક જ સેટ પર સતત 13 દિવસ રોકાયા હતા. નીતિન દેસાઇએ એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે, “અમેરિકન ફિલ્મ ડિરેક્ટર ઓલિવર સ્ટોને મને કામ કરવાની ઓફર કરી હતી. તેમની સાથે મેં 9 દિવસ માટે લદ્દાખ, ઉદયપુર, મહારાષ્ટ્ર જેવા ઘણા શહેરોની મુલાકાત લીધી હતી.”
મે મહિનામાં એક જાહેરાત એજન્સીએ નીતિન દેસાઈ પર 51.7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. તે એજન્સીએ કહ્યું હતું કે ત્રણ મહિનાથી કામ પૂરું થયું હોવા છતાં નીતિન દેસાઈએ પૈસા ચૂકવ્યા નથી. જોકે, નીતિન દેસાઈએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.
તેમણે જે સ્ટુડિયોમાં આત્મહત્યા કરી છે ત્યાં આમિર ખાનની ફિલ્મ `મંગલ પાંડે- ધ રાઇઝિંગ`નું સૌથી પહેલા શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની `ટ્રાફિક સિગ્નલ` અને આશુતોષ ગોવારીકરની `જોધા અકબર`નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને ઋતિક રોશન (Hrithik Roshan) 6 મહિના સુધી સેટ પર રહ્યા હતા.