22 January, 2024 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૈફ અલી ખાન
Saif Ali Khan admitted to hospital: બૉલિવૂડ એક્ટર સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોમવારે સવારે 8 વાગ્યે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમના ઘૂંટણની સર્જરી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના ખભામાં પણ ફ્રેક્ચર છે. સૈફની સાથે તેની પત્ની બૉલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન પણ હોસ્પિટલમાં હાજર છે.
સૈફ અલી ખાનને ઘૂંટણ અને ખભામાં ઈજા થઈ છે. જો કે આ બધું કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. `દૈનિક ભાસ્કર`ના અહેવાલ મુજબ, તેમના ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર છે. ખાન પરિવારમાંથી કોઈએ હજુ સુધી અભિનેતાની ઈજાને લઈને કોઈ અપડેટ આપી નથી. આ દિવસોમાં સૈફ અલી ખાન સાઉથની ફિલ્મ `દેવરા`ના શૂટિંગમાં વ્યસ્ત છે. જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની આ ફિલ્મમાં તે `બહિરા`નું પાત્ર ભજવી રહ્યો છે. આવી સ્થિતિમાં, સમજી શકાય છે કે તે શૂટિંગ દરમિયાન જ ઘાયલ થયો હશે. જોકે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સૈફ અલી ખાન આ પહેલા પણ શૂટિંગ દરમિયાન ઘાયલ થયો છે
જો કે, આ પહેલીવાર નથી જ્યારે સૈફ અલી ખાન સાથે ફિલ્મના સેટ પર આવો અકસ્માત થયો હોય. અગાઉ 2016માં ફિલ્મ `રંગૂન`ના સેટ પર પણ તેના અંગૂઠામાં ઈજા થઈ હતી. તે પછી પણ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ(Saif Ali Khan admitted to hospital) કરવામાં આવ્યો હતો, જ્યાં તેમના અંગૂઠા પર નાની સર્જરી કરવામાં આવી હતી.
`ક્યા કહેના`ના સેટ પર ઈજાગ્રસ્ત, 100 ટાંકા આવ્યા હતા
આ સિવાય સૈફ અલી ખાન ફિલ્મ `ક્યા કહેના`ના એક સીનમાં બાઇક સ્ટંટ દરમિયાન ઘાયલ થયો હતો. આખી ટીમ ખંડાલામાં સ્ટંટ સીન્સનું શૂટિંગ કરી રહી હતી. તે દિવસોમાં વરસાદને કારણે ત્યાં કાદવ હતો, તેથી જ્યારે સૈફ તેજ ગતિએ મોટરસાઇકલ ચલાવતો ત્યારે તે કાદવમાં લપસી ગયો હતો. તે બાઇક પરથી સીધો જમીન પર પડ્યો અને તેનું માથું એક મોટા પથ્થર સાથે અથડાયું હતું. ત્યારબાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં 100 ટાંકા લેવા પડ્યા હતાં.