16 October, 2022 06:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘બ્લૅક ફ્રાયડે’ના ઍક્ટર જિતેન્દ્ર શાસ્ત્રીનું ૬૫ વર્ષની વયે અવસાન
‘બ્લૅક ફ્રાયડે’, ‘લજ્જા’, ‘દૌર’, ‘ચરસ’ અને ‘ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ’માં જોવા મળેલા જિતેન્દ્ર શાસ્ત્રીનું ૬૫ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના ફ્રેન્ડ્સ તેમને જિતુભાઈ કહીને બોલાવતા હતા. તેમના નિધનના સમાચાર મળતાં ઇન્ડસ્ટ્રીમાં શોક ફેલાઈ ગયો છે. તેમના નિધનનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું. વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં તેમણે ઉસ્માનનો રોલ ભજવ્યો હતો. તેમની સાથેની એક નાનકડી વિડિયો-ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય મિશ્રાએ કૅપ્શન આપી હતી, ‘જિતુભાઈ, આપ હોતે તો કુછ ઐસે બોલતે - ‘મિશ્રા કભી કભી ક્યા હોતા હૈ ના કિ મોબાઇલ મેં નામ રહ જાતા હૈ ઔર ઇન્સાન નેટવર્ક સે આઉટ હો જાતા હૈ.’ તમે પણ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે, પરંતુ તમે મારા માઇન્ડ અને હાર્ટના નેટવર્કમાં હંમેશાં રહેશો. ઓમ શાંતિ.’
તેમનો ફોટો ટ્વિટર પર શૅર કરીને ઍક્ટર રાજેશ તેલંગે ટ્વીટ કર્યું હતું, ‘વિશ્વાસ નથી બેસતો કે જિતુભાઈ નથી રહ્યા. તેઓ કમાલના અભિનેતા, કમાલના વ્યક્તિ હતા. તેમનું સેન્સ-ઑફ-હ્યુમર પણ ગજબનું હતું. તેમની સાથે કામ કરવાની અને સમય પસાર કરવાની તક મળી એથી હું પોતાને નસીબદાર ગણું છું. જિતુભાઈ, સાદર નમન.’