29 November, 2023 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુરાગ ડોભાળ
સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ‘બિગ બૉસ 17’ના સ્પર્ધક અનુરાગ દોભાલના ભાઈએ સોશ્યલ મીડિયા પર તેની ભડાસ કાઢી છે. આ શોમાં અનુરાગ સાથે ખોટું કરવામાં આવી રહ્યું છે એવું તેનું માનવું છે અને તેણે તેને શોમાંથી બહાર કાઢવા માટે ચાર કરોડ રૂપિયા પણ ચૂકવવાની જાહેરાત કરી છે. ‘બિગ બૉસ’ દ્વારા ગઈ કાલે શોમાં જાહેરાત કરવામાં આવી હતી કે તેણે અનુરાગના ઘરે ફોન કર્યો હતો અને તેમને શોમાં આવવા માટે વિનંતી કરી હતી. જોકે આ વિનંતીને તેમણે ઠુકરાવી દીધી હતી. અનુરાગના ભાઈનું ઇન્સ્ટાગ્રામ પર ‘કલમ ઇન્ક’ નામનું હૅન્ડલ છે. આ અકાઉન્ટ પર તેણે આ વિશે ચોખવટ કરતાં પોસ્ટ કર્યું હતું કે ‘તેમના દ્વારા અમને ફોન કરવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે અનુરાગ સાથે ડાયરેક્ટ વાત નહીં થાય. તમે અનુરાગની બ્રોસેના સાથે બિગ બૉસને સવાલ કરી શકો છો. તેઓ બ્રોસેનાની ઇજ્જત કાઢવા માગતા હોવાથી અમને વિનંતી કરી હતી. અમે તેમની ચપેટમાં આવીએ એવા નથી. મેં તેમને કહ્યું હતું કે અનુરાગ સાથે ડાયરેક્ટ વાત કરવા મળશે તો હું આવીશ નહીં કે બિગ બૉસ સાથે વાત કરવા માટે. મારે મારા ભાઈ સાથે વાત કરવી હતી. આ લોકોને શરમ આવવી જોઈએ કે અનુરાગની મેન્ટલ હેલ્થ કેવી થઈ ગઈ છે. તેના પર હસો, ટ્રોલ કરો બધું કરો, તેના આત્માને મારી નાખો કદાચ ત્યાર બાદ જ તમને શાંતિ મળશે. થૂ છે આવી ઇન્ડસ્ટ્રી પર. આ કહેવા માટે મને માફ કરજો, પરંતુ અહીં કોઈને કોઈની મેન્ટલ હેલ્થ વિશે કોઈ પરવા નથી. તેઓ જ્યારે ખોટું કરશે ત્યારે અમે આવી જઈશું કૅન્ડલ લઈને. તું હાર નહીં માનતો અનુરાગ. તું લડતો રહેજે, હું છું તારી સાથે. હું અને મારો ભાઈ તમને ચાર કરોડ આપીશું, પરંતુ તેને હમણાં જ બહાર મોકલો. અનુરાગને ખોટો ટાર્ગેટ કરવાનું બંધ કરો. મેરી જાન, સાથે મળીને આપણે પાછા પૈસા કમાઈ લઈશું, પરંતુ તું ઝૂકતો નહીં. આ બાયસ્ડ શો છે. બ્રોસેનાને જ્યાં સુધી બોલાવવાની વાત છે તો ફિલ્મસિટી નાની પડશે.’