04 October, 2024 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલશન કુમાર, રણબીર કપૂર
બૉલીવુડમાં ચર્ચા છે કે પ્રોડ્યુસર ભૂષણ કુમારે તેના પપ્પા ગુલશન કુમારના જીવન પરની ફિલ્મ ‘મોગલ’ને બનાવવાની ફરીથી કોશિશ શરૂ કરી છે. જાણકારોનું કહેવું છે કે ભૂષણ કુમારે રણબીર કપૂર સાથે આ વિષયની ચર્ચા કરી છે. રણબીર જોકે આ જ મહિને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ શરૂ કરવાનો છે અને તેની ‘રામાયણ’નું શૂટિંગ તો ચાલુ જ છે. આ ઉપરાંત તે ‘ધૂમ 4’માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા છે એટલે તેણે ભૂષણ કુમારને કોઈ કમિટમેન્ટ નથી આપ્યું. જાણકારોનું કહેવું છે કે જો રણબીર ન માન્યો તો આયુષમાન ખુરાના અથવા વરુણ ધવન વૈકલ્પિક ચૉઇસ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ભૂષણ કુમારે ૨૦૧૭માં ફિલ્મ ‘મોગલ’ની જાહેરાત કરી ત્યારે અક્ષય કુમાર એમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો હતો. જોકે અક્ષયે ક્રીએટિવ મતભેદોને પગલે આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યાર બાદ આ ફિલ્મમાં આમિરની એન્ટ્રી થઈ હતી, પણ ફિલ્મના ડિરેક્ટર સુભાષ કપૂર સામે જાતીય સતામણીના આરોપ થયા એને પગલે તે પણ આ પ્રોજેક્ટમાંથી નીકળી ગયો હતો.
મ્યુઝિક-કંપની ટી સિરીઝની સ્થાપના કરનાર ગુલશન કુમારને મ્યુઝિક મોગલ તરીકે ઓળખવામાં આવતા હતા.