15 December, 2024 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગ્નજિતા ચક્રવર્તી, રાજેશ રોશન
બંગાળી ગાયિકા લગ્નજિતા ચક્રવર્તીએ બૉલીવુડના પ્રખ્યાત સંગીતકાર રાજેશ રોશન પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. રાજેશ રોશન વિખ્યાત ફિલ્મમેકર રાકેશ રોશનના ભાઈ અને હૃતિક રોશનના કાકા છે. લગ્નજિતાએ વર્ષો પહેલાં મુંબઈમાં બનેલી ઘટના વિશે હમણાં એક ઇન્ટરવ્યુમાં વાત કરીને ખળભળાટ મચાવ્યો છે.
લગ્નજિતાએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે, ‘હું મુંબઈમાં રહેતી હતી ત્યારે એક વાર રાજેશ રોશને મને તેમના સાંતાક્રુઝના ઘરે બોલાવી હતી. હું તેમના ઘરે જઈને બેઠી, બાજુમાં તેઓ પણ બેઠા હતા. તેમણે મને મારું કોઈ ગીત વગાડવાનું કહ્યું જેથી તેઓ મારો અવાજ સાંભળી શકે. એ વખતે મેં ઘણા ઍડ્વર્ટાઇઝમેન્ટ જિંગલ્સ ગાયાં હતાં. હું આઇપૅડ પર યુટ્યુબ પર મારાં જિંગલ્સ સર્ચ કરવા માંડી એ દરમ્યાન મેં અનુભવ્યું કે તેઓ ધીમે-ધીમે સરકીને મારી નજીક આવી રહ્યા હતા. મેં વિચાર્યું કે જોઈએ તેઓ શું કરે છે. એ મુલાકાતમાં હું સ્કર્ટ પહેરીને ગઈ હતી. તમે નહીં માનો, તેમણે અચાનક તેમનો હાથ મારા સ્કર્ટમાં નાખી દીધો. આવું થયું એટલે હું તરત જ ત્યાંથી ઊઠી ગઈ અને ઘરની બહાર નીકળી ગઈ.’
લગ્નજિતાએ આ ઘટના વિશે જોકે કોઈ શોરબકોર ન કર્યો, કારણ કે તેનું કહેવું છે કે એનાથી મારા પર કોઈ અસર નહોતી થઈ... અને આ તો તેમનો પ્રૉબ્લેમ અને તેમની ભૂલ હતી કે તેમણે આવું વર્તન કર્યું.
રાજેશ રોશને હજી સુધી આ આરોપ પર પ્રતિક્રિયા નથી આપી.