બવાલ રિવ્યુ: સ્ક્રિપ્ટની ‘બવાલ’ પડી ભારે

22 July, 2023 05:09 PM IST  |  Mumbai | Harsh Desai

વર્લ્ડ વૉર 2 અને હ્યુમન નેચરને અલગ રીતે કનેક્ટ કરવાની જરૂર હતી : જાહ‍્નવીના પાત્રને ખૂબ જ કમજોર લખવામાં આવ્યું છે અને નિતેશ તિવારી જેવા ડિરેક્ટર આ ફિલ્મને સ્કૂલના લેક્ચર કરતાં વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી શક્યા હોત

બવાલ રિવ્યુ

ફિલ્મ: બવાલ

કાસ્ટ: વરુણ ધવન, જાહ્નવી કપૂર, મનોજ પાહવા

ડિરેક્ટર: નિતેશ તિવારી

રેટિંગ: ૨ (ઠીક-ઠીક)

વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ‘બવાલ’ ગઈ કાલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ ફિલ્મને નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. તેણે આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા સાથે મળીને પ્રોડ્યુસ પણ કરી છે. વર્લ્ડ વૉર 2 પર આધારિત આ ફિલ્મની સ્ટોરી લવ સ્ટોરી હોવાની સાથે એક મેસેજ પણ આપે છે. આ ફિલ્મની સ્ટોરી એકદમ યુનિક છે, પરંતુ એની નેગેટિવ ઇફેક્ટ પણ ફિલ્મ પર પડી છે.

સ્ટોરી ટાઇમ

અજય એટલે કે અજ્જુ સ્કૂલમાં ટીચર હોય છે. તે તેની પત્ની નિશા એટલે કે જાહ્નવી કપૂર, પિતા મિસ્ટર દીક્ષિત એટલે કે મનોજ પાહવા અને મમ્મી મિસિસ દીક્ષિત એટલે કે અંજુમન સકસેના સાથે રહેતો હોય છે. અજ્જુ માટે તેની ઇમેજ સૌથી મહત્ત્વની હોય છે. તે માર્કેટમાં પોતાનો માહોલ બનાવીને રાખતો હોય છે. તે ઇતિહાસનો ટીચર હોય છે, પરંતુ તેને આવડતું કંઈ નથી હોતું. તે તેની લાઇફમાં તેની નોકરીથી ખુશ નથી હોતો, પરંતુ એમ છતાં પોતાનો માહોલ બનાવીને રાખે છે. એક દિવસ તે વિધાયકના છોકરાને તમાચો મારી દે છે. આથી તેને સ્કૂલમાંથી કાઢી નાખવાની વાત આવે છે. એમ છતાં પણ તે પોતાનો માહોલ બનાવી રાખવા માગે છે અને યુરોપની ટૂર પર નીકળે છે. જોકે આ દરમ્યાન તે સેલ્ફ-ડિસ્કવરીની જર્ની પર જાય છે. આ દરમ્યાન તે તેની પત્નીને પણ ઓળખે છે. તેનાં લગ્નને નવ મહિના થઈ ગયા હોય છે, પરંતુ તે એક દિવસ પણ તેની પત્નીને લઈને બહાર નથી ગયો હોતો. અચાનક તેની સાથે યુરોપની ટ્રિપ પર ગયા બાદ તેને તેની પત્ની કેટલી સ્માર્ટ છે એનો એહસાસ થાય છે. જોકે એમાં ઘણું મોડું થઈ ગયું હોય છે, કારણ કે આ નવ મહિના દરમ્યાન તેમની લાઇફમાં ઘણું થઈ ગયું હોય છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

નિતેશ તિવારીએ તેમના રાઇટિંગ પાર્ટનર્સ પીયૂષ ગુપ્તા, નિખિલ મલ્હોત્રા અને શ્રેયસ જૈન સાથે મળીને આ ફિલ્મની સ્ટોરી લખી છે. તેમણે અગાઉ ઘણી વાર સાથે કામ કર્યું છે અને અદ્ભુત સ્ટોરી પણ આપી છે. તેમણે વર્લ્ડ વૉર 2નો બેઝ લઈને એક યુનિક સ્ટોરી લખવાની કોશિશ કરી છે. તેમની કોશિશ ખરેખર કાબિલેદાદ છે, પરંતુ તેમની આ સ્ક્રિપ્ટ સ્કૂલનું લેક્ચર હોય એવું વધુ લાગે છે. તેમણે વર્લ્ડ વૉર 2ના ઇતિહાસને હ્યુમન નેચર સાથે કનેક્ટ કરવાની કોશિશ જરૂર કરી છે. લાલચ બુરી બલા હૈ અને આપણી પાસે જે હોય એમાં ખુશ રહેવું વગેરે કહેવતો પર આખી ફિલ્મ બનાવવામાં આવી છે. જોકે ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ આ બે બાજુને જોડવાનો છે. વર્લ્ડ વૉર 2 અને હ્યુમન નેચરને જોડવા માટે એક બ્રિજ હોવો જોઈએ. એ બ્રિજ મોરબીના બ્રિજ જેટલો જ કમજોર છે જે કૉલૅપ્સ થઈ ગયો હતો. આ બ્રિજ જો વધુ સ્ટ્રૉન્ગ હોત તો ફિલ્મ લેક્ચર જેવી નહીં, પરંતુ વધુ એક ‘છિછોરે’ બની હોત. નિતેશ તિવારીનું ડિરેક્શન પણ કંઈ ખાસ કમાલ નથી કરી શક્યું. તેમની ફિલ્મનો આઇડિયા સારો હતો, પરંતુ એને સારી રીતે એક્ઝિક્યુટ નથી કરી શક્યા. સ્ક્રિપ્ટમાં ખૂબ જ પ્રૉબ્લેમ છે અને ફિલ્મ કૉલૅપ્સ થવાનું પણ કારણ એ જ છે. આ સાથે જ પાત્રને ખૂબ જ ઉપરછલ્લાં લખવામાં આવ્યાં છે. જાહ્નવીને શરૂઆતમાં ઇન્ડિપેન્ડન્ટ બતાવવામાં આવી છે અને બીજી જ સેકન્ડમાં તેને ઘરેલુ સ્ત્રી દેખાડવામાં આવી છે. આ સાથે જ તેમણે યુરોપને જે દેખાડ્યું છે એ જોઈને ત્યાં ફરવા જવાની પણ ઇચ્છા નથી થતી. યુરોપ જેવા દેશને યશ ચોપડા, કરણ જોહર અને ઝોયા અખ્તર જેવા ડિરેક્ટર્સે જેમ દેખાડ્યો છે એની અહીં કમી છે. સિનેમૅટોગ્રાફીની વાત હોય ત્યારે પ્રભાસની ‘રાધે શ્યામ’ પણ એ કૅટેગરીમાં ખૂબ જ સારી હતી. જોકે આ ફિલ્મની સિનેમૅટોગ્રાફી ખૂબ જ બકવાસ છે.

પર્ફોર્મન્સ

વરુણ ધવન માટે આ પાત્ર ખૂબ જ પર્ફેક્ટ છે. તેણે સેલ્ફ-ઑબ્સેસ્ડ માણસનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. જોકે ઘણી જગ્યાએ તે ‘વેલકમ બૅક’ના અજ્જુભાઈ જેવો પણ લાગે છે. વરુણમાં પોતાના કૅરૅક્ટરને એક ઇમેજમાંથી બીજી ઇમેજમાં શિફ્ટ કરવાની કમાલની આવડત છે. થોડા સમય પહેલાં આ જ અજ્જુ હતો જે હવે અજય બની ગયો છે એવું દેખાઈ આવે છે. તે ગોવિંદાનો ખૂબ જ મોટો ફૅન છે અને એ પણ તેની ઍક્ટિંગમાં દેખાઈ આવે છે. જાહ્નવી પાસે તેની ઍક્ટિંગ ક્ષમતા દેખાડવા માટે ખાસ કોઈ દૃશ્ય નહોતાં. આમ છતાં તેણે તેના પાત્રને ખૂબ જ ન્યાય આપ્યો છે. એક-બે દૃશ્યમાં તે જરૂર નિખરીને આવી છે. જોકે તેનું ખરું પોટેશ્યલ દેખાડવા માટે તેને હજી સારી સ્ક્રિપ્ટ પસંદ કરવાની જરૂર છે. મનોજ પાહવા અને મુકેશ તિવારીને વેડફી કાઢવામાં આવ્યા છે. આ ફિલ્મમાં તેમની હાજરીથી કોઈ ફરક નથી પડતો. બન્ને આલા દરજ્જાના ઍક્ટર છે, પરંતુ આ ફિલ્મમાં તેમની પાસે કોઈ કામ નથી. જોકે કેટલાક સપોર્ટિંગ ઍક્ટરે ખૂબ જ સારું કામ કર્યું છે જેમ કે ગુજરાતી પાત્ર ભજવનાર હેમાંગ વ્યાસ. તેણે ફિલ્મમાં ખરેખર હ્યુમર ઊભું કર્યું છે.

મ્યુઝિક

અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવેલું ગીત ‘તુમ્હે કિતના પ્યાર કરતે’ એક સારું ગીત છે. બાકી બધાં ગીત સિચુએશનલ છે અને એ ફિલ્મ પૂરતાં જ સારાં છે. ડૅનિયલ જ્યૉર્જનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે જે દૃશ્યને થોડું લાઇવલી બનાવે છે.

આખરી સલામ

નિતેશ તિવારીએ વર્લ્ડ વૉર 2 અને વરુણની લવ સ્ટોરીને સ્કૂલનાં બાળકો કરતાં અલગ રીતે જોડવાની જરૂર હતી, કારણ કે આ રીતે ઇમોશનલી એટલું કનેક્ટ નથી થઈ શકાતું. નિતેશ તિવારી જેવા ડિરેક્ટર પાસે અલગ રીતે સ્ટોરી જોડવાની આશા જરૂર રાખી શકાય છે. જો એ શક્ય બન્યું હોત તો આ ફિલ્મ પણ સ્કૂલના લેક્ચર કરતાં ઇન્ટરેસ્ટિંગ બની હોત.

jhanvi kapoor varun dhawan bollywood bollywood news movie review bollywood movie review entertainment news harsh desai