06 January, 2024 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબિલ ખાન
બાબિલ ખાનનું કહેવું છે કે દરેક ઇન્ડિયનનાં દિલ જીતવું એ તેનું સૌથી મોટું સપનું છે. તે ઇરફાન ખાનનો દીકરો છે અને ‘ધ રેલવે મૅન’ માટે તેના કામને ખૂબ વખાણવામાં આવ્યું હતું. તે હાલમાં ઘણા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. ૨૦૨૪માં તેના ઘણા પ્રોજેક્ટ આવી રહ્યા છે. એ વિશે વાત કરતાં બાબિલ ખાને કહ્યું કે ‘મારું એક સપનું છે. પાત્રો તો આવશે અને જશે, પરંતુ મારે ભારતના દરેક એટલે કે દરેક વ્યક્તિનાં દિલ જીતવાં છે અને એ હું જીતીને રહીશ એની પણ મને ખાતરી છે.’
પિતાના ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ વિશે વાત કરતાં બાબિલે કહ્યું કે ‘મારા પિતાએ ક્યારેય નૅશનલ અને ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ વિશે નહોતું વિચાર્યું. તેઓ ફક્ત સ્ટોરી સાથે કનેક્ટ થતા હતા. જો સ્ટોરી સારી હોય તો તેઓ ક્યારે નૅશનલ કે ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ વિશે નહોતા વિચારતા. મને લાગે છે કે આ બધાં લેબલ આપણે ઑડિયન્સ તરીકે બનાવીએ છીએ.’
આગામી પ્રોજેક્ટ વિશે બાબિલે કહ્યું કે ‘મેં મારા મેકર્સ સાથે નૉન-ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટ સાઇન કર્યું છે એટલે હું એ વિશે કંઈ કહી શકું એમ નથી. એ થ્રિલર ફિલ્મ છે એટલું જ કહી શકું છું.’