ઇલેક્ટ્રિક વાહનોના વપરાશથી પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન આવશે : આયુષમાન ખુરાના

18 July, 2023 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને એ વાતની ખુશી છે કે પ્રશાસન હવે ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન આપતા લોકોને પણ એના ઉપયોગ માટે પ્રોત્સાહન આપે છે.

આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાનાએ જણાવ્યું કે જો આપણે ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ પર વધુ ધ્યાન આપીશું તો પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન આવશે. હાલના સમયમાં વધતા જતા પ્રદૂષણની પર્યાવરણ પર ખૂબ માઠી અસર થઈ છે એથી વિવિધ સેલિબ્રિટીઝ એ વિશે લોકોને સજાગ કરવાનું કામ કરે છે. હવે ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂકતાં આયુષમાન ખુરાનાએ કહ્યું કે ‘આપણે હવે એવા સમયમાં રહીએ છીએ જ્યાં ટકાઉ જીવનશૈલીની પસંદગી કરવી અગત્યનું છે. મને એ વાતની ખુશી છે કે પ્રશાસન હવે ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન આપતા લોકોને પણ એના ઉપયોગ માટે પ્રોત્સાહન આપે છે. આપણે બધાએ પણ એ પર્યાય વિશે ગંભીરતાથી વિચારવું જોઈશે, કારણ કે પર્યારવરણની સલામતી માટેનો સમય ખૂબ કપરો છે. આપણે કારનો ઉપયોગ ખૂબ સચોટતાથી કરવો જોઈએ. ઇલેક્ટ્રિક વાહનો વિશ્વ પર ખરેખર સકારાત્મક અસર પાડશે. મને લાગે છે કે શહેરી ટ્રાન્સપોર્ટેશન ઇલેક્ટ્રિક વાહનોને સારી રીતે અપનાવશે. શરત એ છે કે એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોવું જોઈએ. મેં સતત વાંચ્યું છે કે આવા પ્લાન પર કામ ચાલી રહ્યું છે. લોકો પણ જે પ્રકારે જીવન પસાર કરે છે એને લઈને ચિંતિત છું. વાસ્તવિકતા એ પણ છે કે લોકો પણ હવે પર્યાવરણની જાળવણી માટે પ્રયાસ કરી રહ્યા છે જેથી આવનારી પેઢી માટે એ રહેવા યોગ્ય હોય. આપણે બધા જાણીએ છીએ કે પર્યાવરણ માટે કેવા પ્રકારનાં પગલાં લેવાં જોઈએ. ઇલેક્ટ્રિક કારને હવે અનેક લોકો સ્વીકારતા થયા છે.’

ayushmann khurrana environment bollywood news bollywood gossips bollywood entertainment news