02 May, 2023 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્યન ખાન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ફરી ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આર્યન સતત ટ્રોલ થતો રહે છે, પરંતુ આ વખતે ટ્રોલ થવાનું કારણ અલગ છે. આજ સુધી તે ચહેરા પર સ્માઇલ ન હોવાથી ટ્રોલ થતો આવ્યો છે, પરંતુ આ વખતે તે તેની બ્રૅન્ડને કારણે ટ્રોલ થયો છે. તેણે સ્ટ્રીટ લક્ઝરી ક્લોધિંગ બ્રૅન્ડ ‘ડ્યાવોલએક્સ’ને રવિવારે લૉન્ચ કરી હતી. તેણે લિમિટેડ સ્ટૉકને લૉન્ચ કર્યો હતો, પરંતુ એ તરત જ વેચાઈ ગયો હતો. જોકે આ બ્રૅન્ડનાં હૂડી, જૅકેટ અને ટી-શર્ટની પ્રાઇસ ખૂબ જ વધુ છે. ટી-શર્ટની કિંમત ૨૫ હજારથી લઈને ૪૭ હજાર સુધીની છે. તેમ જ જૅકેટની કિંમત બે લાખ રૂપિયા છે. આ પ્રાઇસને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. કેટલાક યુઝર કહી રહ્યા છે કે શાહરુખે તેને બધું શીખવ્યું છે, પરંતુ પ્રાઇસ વિશે શીખવાડવાનું ભૂલી ગયો છે. આ બ્રૅન્ડની વેબસાઇટ પર લોડ એટલો આવ્યો હતો કે એ ક્રૅશ પણ થઈ ગઈ હતી. જોકે કિંમત જોઈને કેટલાક યુઝર કહી રહ્યા છે કે આ બ્રૅન્ડની પ્રોડક્ટની કિંમત સામાન્ય માણસની પોસાય એવી નથી તો પછી કોણ એને ટ્રેન્ડમાં લાવી રહ્યું છે. કેટલાક યુઝર એવું પણ કહી રહ્યા છે કે શાહરુખ ખાન એવું તો નહીં ઇચ્છે કે તેના ફૅન્સ આ બ્રૅન્ડનાં કપડાં ખરીદવા માટે તેમની કિડની વેચે. કેટલાક યુઝર એમ પણ કહી રહ્યા છે કે એવી તો કેવી બ્રૅન્ડ છે જેને ઇન્ડિયામાં એક ટી-શર્ટ મૅન્યુફૅક્ચર કરવા માટે આટલા રૂપિયાનો ખર્ચ થાય છે.
આર્યન ખાનના ડિરેક્શનમાં બનનાર શોનું નામ ‘સ્ટારડમ’
આર્યન ખાનના ડિરેક્શનમાં બનનાર પહેલા શોનું ટાઇટલ ‘સ્ટારડમ’ રહેશે એવું જાણવા મળ્યુ છે. આર્યનને ઍક્ટિંગમાં નહીં, પરંતુ રાઇટિંગ અને ડિરેક્શનમાં ઇન્ટરેસ્ટ છે. ‘સ્ટારડમ’ના છ એપિસોડ રહેશે અને એની સ્ટોરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આસપાસ હશે. આ સિરીઝ હાલમાં પ્રોડક્શન સ્ટેજમાં છે. આ સિરીઝને આર્યનના ડૅડી શાહરુખ ખાનનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. આ શોની સ્ટોરી લખાઈ ગઈ હોવાની માહિતી આર્યને ઇન્સ્ટાગ્રામ પર ગયા વર્ષે આપી હતી.