11 January, 2024 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન દીકરા આર્યન સાથે (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
બૉલિવૂડ (Bollywood)ના કિંગ ખાન (King Khan) કહેવાતા અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) માટે વર્ષ ૨૦૨૩ સુપરહિટ રહ્યું છે. પણ આ પહેલા વર્ષ ૨૦૧૮ પછી કેટલાંક વર્ષો કિંગ ખાન માટે અંગત અને પ્રોફેશનલ જીવનમાં મુશ્કેલ રહ્યાં હતા. જે વિશે શાહરુખ ખાને જાહેરમાં વાત કરી છે. એટલું જ નહીં, કિંગ ખાને દીકરા આર્યન ખાન (Aryan Khan)ની ડ્રગ્સ કેસમાં ધરપકડ (Aryan Khan Drugs Case) વિશે પહેલીવાર કંઈક કહ્યું છે.
શાહરૂખ ખાને વર્ષ ૨૦૨૩માં `પઠાણ` (Pathaan) અને `જવાન` (Jawan)ની ધમાકેદાર સફળતાથી સાબિત કરી દીધું કે તેને `કિંગ`ની ખુરશી પરથી હટાવવા એટલું સરળ નથી. બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન પણ ગયા વર્ષે બોક્સ ઓફિસનો `કિંગ` બન્યો હતો. ગયા વર્ષે તેણે બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી અને તેની ફિલ્મોનો સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે. જો કે વર્ષ ૨૦૧૮ પછી, કિંગ ખાનના જીવનમાં એક એવો સમય આવ્યો જેમાં તેણે પ્રોફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફ સુધીના મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો. આ વિશે શાહરુખ ખાને દિલ ખોલીને વાત કરી છે. સાથે જ તેણે દીકરા આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ વિશે પહેલી જ વાર ચુપકીદી તોડી છે.
જ્યારે કિંગ ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી રહી હતી ત્યારે વર્ષ ૨૦૨૧માં તેના મોટા પુત્ર આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં થોડો સમય જેલમાં રહેવું પડ્યું હતું. શાહરૂખ ખાને પોતાના પુત્ર આર્યન ખાનની ધરપકડ અંગે વાત કરી અને તે સમયે તે ચૂપ કેમ રહ્યો તે પણ જણાવ્યું છે.
શાહરૂખ ખાનને તાજેતરમાં ન્યૂઝ 18 તરફથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેની સાથે ખાસ વાતચીત દરમિયાન તેના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે જણાવ્યું. આર્યન ખાનના ડ્રગ્સ કેસ અને તેના પુત્રની ધરપકડ પછી પણ તેણે તેના મૌનનો એક જ શબ્દમાં શ્રેષ્ઠ જવાબ આપ્યો. શાહરુખે કહ્યું કે, ‘છેલ્લા ચાર-પાંચ વર્ષ મારા અને મારા પરિવાર માટે રોલર-કોસ્ટર રાઈડ જેવા રહ્યા છે. કોવિડને કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી જ હશે. તે સમયે ઘણી ફિલ્મો ફ્લોપ પણ થઈ હતી, ત્યારબાદ વિશ્લેષકોએ મારા વિશે લખવાનું શરૂ કર્યું હતું કે મારો સમય પૂરો થઈ ગયો છે.’
અહેવાલો અનુસાર, શાહરૂખ ખાને વર્ષ ૨૦૨૧માં ડ્રગ્સના કેસમાં આર્યન ખાનની ધરપકડ દરમિયાન પોતાને અને તેના પરિવારને કેવી રીતે હેન્ડલ કર્યા તે વિશે સંબોધિત કરતા કહ્યું કે, ‘અંગત સ્તરે પણ, મારા જીવનમાં કેટલીક વિચલિત કરનારી ઘટનાઓ બની છે, જેમાંથી હું ઘણું શીખ્યો છું. મને લાગે છે કે જ્યારે મુશ્કેલ સમય હોય ત્યારે તમારે શાંત રહેવું જોઈએ, ખૂબ જ શાંત રહેવું જોઈએ અને તમારી ગરિમા જાળવીને કામ કરતા રહેવું જોઈએ. કારણ કે જ્યારે તમે વિચારતા હોવ કે જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યું છે ત્યારે મને ખબર નથી પડતી.’
શાહરૂખ ખાને ત્યાં હાજર તમામ લોકોને પ્રેરણા આપતાં એમ પણ કહ્યું કે, ‘જ્યારે જીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય ત્યારે કોઈએ આશા ન ગુમાવવી જોઈએ અને સાચી વાર્તા જણાવવી જોઈએ.’
નોંધનીય છે કે, શાહરુખ ખાન દીકરા આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ વિશે પહેલીવાર કંઈક બોલ્યો છે.