21 October, 2021 04:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આર્યન ખાન
ડ્રગ્સ મામલે શાહરુખ ખાનનો દીકરો આર્થર રોડ જેલમાં છે. હાઇકૉર્ટે આર્યન ખાનની જામીન અરજી અંગે નિર્ણય આપવા માટેની 26 તારીખ જાહેર કરી છે. ફિલ્મમેકર રાહુલ ઢોલકીયા અને હંસલ મેહતા, જે આર્યન ખાનની ધરપકડ અંગે સતત પોતાની પ્રતિક્રિયાઓ આપતા રહે છે તેમણે જામીન અરજી ફગાવી દેવાયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે.
ઢોલકિયાએ આ નિર્ણયને `ચોંકાવી દેનારો` જણાવ્યો છે અને માગ કરી છે કે આર્યન ખાનને શક્ય તેટલા વહેલા છોડી દેવા જોઇએ. ફિલ્મ `રઈસ`માં શાહરુખ ખાન સાથે કામ કરી ચૂકેલ નિર્દેશકે એક ટ્વીટમાં કહ્યું, "આશ્ચર્યજનક, તમે કહી રહ્યા છો કે તેના ફોનમાંથી મળેલ `વૉટ્સએપ ચેટ`ના આધારે તેના `આંતરરાષ્ટ્રીય` રેકેટ સાથે પણ `સંભવિત` સંબંધ છે, જે તમે જપ્ત કરી લીધો હતો જ્યાં તેની પાસે `કંઇ નહોતું`? અને હવે તમે અનેક દિવસોથી પ્રયત્ન કરી રહ્યા છો કે પણ કંઇ મળ્યું નહીં? આર્યન ખાનને છોડી દો."
રીમા કાગતીએ એક પોસ્ટમાં કહ્યું કે, "તેનો મિત્ર ચોક્કસ છ ગ્રામ ચરસ લઈ જતો હતો પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની પાસેથી કંઇ મળ્યું હોય તેના પુરાવા નથી. તેમ છતાં આ યુવક લગભગ બે અઠવાડિયાથી આર્થર રોડ જેલમાં છે."
હંસલ મેહતાએ શાહરુખ ખાનની આર્યન સાથેની મુલાકાત બાદ એક પછી એક અનેક ટ્વીટ કર્યા છે. તેમણે બૉલિવૂડ સ્ટાર્સની એક પિતા તરીકે ભાવનાઓને સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી છે. હંસલ મેહતાએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું, "એક સેલિબ્રિટી, સ્ટાર હોવાને નાતે અને `બૉલિવૂડ`માંથી હોવાનો અર્થ એ નથી કે તમારી ભાવના, તમારી પીડા અને એક પિતા તરીકેની તમારી ચિંતા સાર્વજનિક ઉપભોગ, હ્રદયહીન દુર્વ્યવહાર અને ક્રૂર નિર્ણયનો વિષય બની જાય છે.
બૉલિવૂડ કોઈ જગ્યા નથી. કોઈ કંપની નથી, અને ચોક્કસ તરીકે કોઈ માફિયા પણ નથી. આ મોટી સંખ્યામાં વ્યક્તિઓ માટે એક ઢીલો-ઢાલો શબ્દ છે, જે ખૂબ જ મહેનત, મનોરંજન અને લગનથી કામ કરે છે. આની વિપરીત હકીકતે સખત મહેનત કરે છે, હંમેશાં ટીકા, તપાસ અને દુર્વ્યવહાર પ્રત્યે સંવેદનશીલ હોય છે." આ સિવાય પણ હંસલ મેહતાએ પોતાના અન્ય ટ્વીટમાં ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે.
સ્વરા ભાસ્કરે સેશન્સ કૉર્ટનો નિર્ણ સામે આવ્યા પછી ટ્વિટર પર નારાજદી વ્યક્ત કરતા લખ્યું, "આ તે લોકો દ્વારા સંપૂર્ણ રીતે કાયદાનો ત્યાગ છે જેમના પર કાયદાને જાળવી રાખવાની જવાબદારી છે. આર્યન ખાન બેઇલ"
ટેલીવિઝન એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ નારાજગી વ્યક્ત કરતા લખ્યું છે, "જો #NCB પાસે ડ્રગ પેડલર્સનો નંબર છે, તો NCB તેમની ચેટ પરથી તાગ કેમ નથી મેળવતી અને સોર્સ કે ડિસ્ટ્રીબ્યૂટરને કૉલ કરીને તેમની ધરપકડ કેમ નથી કરતી? તેમને જેલમાં રાખે અને પૂછપરછ કરે જો તમે ભારતને ખરેખર ડ્રગ ફ્રી કરવા માગો છો તો."
બીજા ટ્વીટમાં અભિનેત્રીએ લખ્યું, "આપણી ન્યાયપાલિકા પ્રણાલીને શું થયું છે? સામાન્ય જનતા આપણી ન્યાયપાલિકા પ્રણાલી પર વિશ્વાસ કરે છે કારણકે આ બધા માટે સમાન છે અને આથી તેણે પક્ષપાતી ન હોવું જોઈએ. આ ઉત્પીડન છે અને એકપક્ષીય મત. પૂછપરછ કરવાની અન્ય અનેક રીતો છે, જેમનકે હાઉસ અરેસ્ટ, વગેરે. જેલમાં કેમ રાખો છો?"
આ સિવાય કમાલ આર ખાને પણ ટ્વિટર દ્વારા આર્યનને બેઇલ ન મળવાને ઉત્પીડન કહ્યું છે. તેણે લખ્યું, "આર્યનની જામીન ફગાવી દેવામાં આવી છે, આ સ્પષ્ટ રીતે શોષણ છે. કોઈપણ વ્યક્તિ 20 દિવસથી વધારે જેલમાં કેવી રીતે રહી શકે છે, જેની પાસે ન તો ડ્રગ મળ્યા છે કે ન તો જેણે ડ્રગ્સ લીધા છે. જ્યારે ભારતી સિંહને પહેલા દિવસે જામીન મળી ગઈ હતી, જેની પાસેથી 86 ગ્રામ ડ્રગ મળ્યા હતા. આનો અર્થ બે અલગ લોકો માટે કાયદો પણ જૂદો."