‘આર્ટિકલ 370’ને પ્રોપેગેન્ડા ફિલ્મ કહેનારાઓ પર ભડકી પ્રિયામ​ણિ

29 February, 2024 06:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મને પ્રોપગેન્ડા જણાવનારા લોકોને જવાબ આપતાં પ્રિયામ​ણિએ કહ્યું હતું કે ‘કેટલાક લોકો કહેશે કે આ ​ફિલ્મ તો સજાગતા લાવી રહી છે

પ્રિયામણિ

યામી ગૌતમ ધરની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’ જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવા પર આધારિત છે. એ ફિલ્મને કેટલાક લોકોએ પ્રોપેગેન્ડા કહેતાં પ્રિયામણિ રોષે ભરાઈ છે. આ ફિલ્મને આદિત્ય સુહાસ જાંભલેએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને યામીના હસબન્ડ આદિત્ય ધર, જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મને પ્રોપગેન્ડા જણાવનારા લોકોને જવાબ આપતાં પ્રિયામ​ણિએ કહ્યું હતું કે ‘કેટલાક લોકો કહેશે કે આ ​ફિલ્મ તો સજાગતા લાવી રહી છે એટલે લોકોએ એની સ્ટોરી જાણવી જોઈએ. તો એક વર્ગ એવો પણ છે જે કહેશે કે આ ફિલ્મ પ્રોપેગેન્ડા છે. અમે જ્યારે આ ફિલ્મ લીધી અથવા તો આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું તો એનું મુખ્ય કારણ એ હતું કે અમે લોકોને જણાવવા માગતા હતા કે ઇતિહાસમાં આવું પણ કંઈ થયું હતું, જેના વિશે લોકોને માહિતી નથી અને તેમને એ વિશે જણાવવું જરૂરી છે. લોકોને આ ફિલ્મ વિશે જાણ હશે, પરંતુ ત્યાંના લોકોને કેટલી તકલીફમાંથી પસાર થવું પડ્યું એની માહિતી નહીં હોય કે આ મિશનને સફળ બનાવવા માટે કેવાં પગલાં લેવામાં આવ્યાં હતાં એની પણ જાણ.’

આ ફિલ્મમાં કામ નહોતું કર્યું ત્યાં સુધી ખરી હકીકત તેને ખબર નહોતી. એ વિશે પ્રિયામ​ણિએ કહ્યું હતું કે ‘હું સૌથી અજાણ વ્યક્તિ હતી. મારા માટે આ ખૂબ અસંવેદનશીલ કહેવાય. અગાઉ મને એ વિશે કોઈ માહિતી નહોતી. મારી જાત વિશે હું વિચારતી હતી કે ઠીક છે સારું થયું એ આર્ટિકલ હટાવવામાં આવ્યો, પરંતુ એની ગંભીરતાની મને જાણ નહોતી. આજે મને ઘણી માહિતી છે.’

entertainment news bollywood news bollywood yami gautam