24 December, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્યામ બેનેગલ
હિન્દી ફિલ્મોમાં એક બાજુ જ્યારે ઍન્ગ્રીમૅન અમિતાભ બચ્ચનનો દોર ચાલી રહ્યો હતો ત્યારે એ કમર્શિયલ ફિલ્મોથી એકદમ જ હટકે અને વાસ્તવિકતાને ઉજાગર કરતી આર્ટ ફિલ્મો બનાવનાર અને એ દ્વારા ખ્યાતિ મેળવનાર મશહૂર ફિલ્મ-ડિરેક્ટર, નિર્માતા અને પટકથા લેખક શ્યામ બેનેગલનું ગઈ કાલે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. મુંબઈ સેન્ટ્રલની વૉકહાર્ટ હૉસ્પિટલમાં સાંજે ૬.૩૮ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં તેમનાં પત્ની નીરા અને દીકરી પિયાનો સમાવેશ થાય છે. સૌથી વધુ આઠ વખત નૅશનલ અવૉર્ડ જીતવાનો તેમનો રેકૉર્ડ રહ્યો છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની દીકરી પિયા બેનેગલે કહ્યું હતું કે તેમને લાંબા સમયથી કિડનીની બીમારી હતી અને એની સારવાર ચાલી રહી હતી. બે વર્ષ પહેલાં તેમની બન્ને કિડની ખરાબ થઈ ગઈ હતી અને એ પછી તેમણે અવારનવાર ડાયાલિસિસ કરાવવું પડતું હતું.
૧૦ દિવસ પહેલાં જ બર્થ-ડે ઊજવનાર શ્યામ બેનેગલનો જન્મ ૧૯૩૪ની ૧૪ ડિસેમ્બરે હૈદરાબાદમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે ઇકૉનૉમિક્સમાં ડિગ્રી લીધી હતી. તેમને તેમના પિતાની જેમ ફોટોગ્રાફીમાં રસ હતો. તેઓ જ્યારે બાર જ વર્ષના હતા ત્યારે તેમના પિતા શ્રીધર બેનેગલે તેમને આપેલા કૅમેરાથી તેમણે પોતાની પહેલી ફિલ્મ બનાવી હતી.
શ્યામ બેનેગલે અનેક વિષયો પર કામ કર્યું અને ફિલ્મો, ડૉક્યુમેન્ટરી અને ટિલિવઝન (દૂરદર્શન) માટે સિરિયલો બનાવી, જેમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુના પુસ્તક પરથી બનેલી ‘ભારત એક ખોજ’નો પણ સમાવેશ થાય છે. તેમણે આર્ટ ફિલ્મો દ્વારા અનેક બેહતરીન કલાકારો હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને આપ્યા જેમાં સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, શબાના આઝમીનો સમાવેશ થાય છે. તેમની જાણીતી ફિલ્મોમાં ‘મમ્મો’, ‘સરદારી બેગમ’, ‘ઝુબૈદા’, ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘મંડી’, ‘જુનૂન’, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ-ધ ફર્ગટન’ હીરો જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. છેલ્લે તેમણે ૨૦૨૩માં ‘મુજિબ – ધ મેકિંગ ઑફ અ નેશન’ ફિલ્મ બનાવી હતી.