21 July, 2023 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ (ફાઈલ તસવીર)
બોલિવૂડનો અભિનેતા અર્જુન રામપાલ(Arjun Rampal) અને તેની પત્ની ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સએ ચાહકોને ખુશીના સમાચાર આપ્યા છે. બંને બીજી વખત માતા-પિતા બન્યા છે. તેમના ઘરમાં આનંદનો માહોલ છે. અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડે બીજા પુત્રને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ ગેબ્રિયલાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને પ્રેગ્નેન્સીની માહિતી મૂકી હતી. ત્યારબાદ આ પુત્ર જન્મના સમાચાર સામે આવ્યા છે.
અર્જુન રામપાલ પોતાના બાળકના આગમનને કારણે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. પુત્ર આગમનના સમાચાર તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ એક્ટરે તેના ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે. સાથે તેણે કહ્યું છે કે માતા અને બાળક બંને એકદમ સ્વસ્થ છે.
અર્જુન રામપાલે સોશિયલ મીડિયા પર ચાહકોના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર પણ માન્યો છે. તેણે ક્યુટ રીંછની પ્રિન્ટ સાથે ટુવાલની તસવીર શેર કરી છે, આ ટુવાલ પર `હેલો વર્લ્ડ` એવું લખવામાં આવ્યું છે.
આ તસવીર શેર કરીને તેણે કેપ્શનમાં લખ્યું છે કે, "મને અને મારા પરિવારને એક સુંદર પુત્ર આશીર્વાદરૂપે મળ્યો છે. માતા અને પુત્ર બંને એકદમ સ્વસ્થ છે. ડૉક્ટરો અને નર્સ ટીમનો આભાર. પુત્રના અમારા આગમન સાથે અમારી ખુશી સાતમ આકાશે છે. પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર."
આ પોસ્ટ જોતાં જ અર્જુનના ચાહકોએ અભિનંદનનો વરસાદ વરસાવ્યો છે. ઉપરાંત બોલિવૂડના ઘણા લોકોએ પણ તેને અભિનંદન આપ્યા છે. સુનીલ શેટ્ટીએ હાર્ટ શેપનું ઇમોજી બનાવીને તો બોબી દેઓલે કોમેન્ટ કરીને લખ્યું હતું કે,"તમને ઘણી શુભેચ્છાઓ.”
અર્જુન રામપાલ 50 વર્ષની ઉંમરમાં ચોથી વખત પિતા બન્યો છે. તેને અગાઉ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે એરિક નામનો પુત્ર છે. તેની પ્રથમ પત્ની મેહર જેસિયા સાથે તેને બે પુત્રીઓ છે. જેમના નામ મિહિકા અને માયરા છે. અર્જુનની બંને દીકરીઓ દરરોજ તેની સાથે જોવા મળતી હોય છે.
એવું કહેવાય છે કે અર્જુન રામપાલ અને ગેબ્રિએલાએ હજુ સુધી લગ્ન કર્યા નથી. વર્ષ 2018માં આ કપલે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને લિવઇનમાં સાથે રહે છે. અર્જુન એક કોમન ફ્રેન્ડ તરીકે ગેબ્રિએલાને મળ્યો હતો. વર્ષ 2019માં આ કપલે એક પુત્રને જન્મ આપ્યો. જેનું નામ એરિક રામપાલ હતું. હવે દંપતીએ તેમના બીજા પુત્રને જન્મ આપ્યો છે, બીજા પુત્રના આગમનથી તેઓ ખૂબ જ ખુશ છે. જોકે, કપલે હજુ સુધી બાળકની તસવીર શેર કરી નથી.
અર્જુન રામપાલના પહેલા લગ્ન સુપર મોડલ મેહર જેસિયા સાથે થયા હતા. અર્જુન રામપાલને તેના પહેલા લગ્નથી બે દીકરીઓ છે. લગ્નના 21 વર્ષ બાદ અર્જુન અને મેહરે 2019માં છૂટાછેડા લીધા હતા. હવે આ કપલ પોતપોતાના જીવનમાં ખુશ જોવા મળી રહ્યા છે.